સૂરજ બડજાત્યાને સલમાન ખાનના નજીકના ફિલ્મ નિર્માતાઓમાંના એક માનવામાં આવે છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ સૂરજ બડજાત્ય તેમની નવી ફેમિલી ડ્રામા ફિલ્મ માટે નવા ‘પ્રેમ’ની શોધમાં હતા, અને હવે તેમણે આ માટે ૫૯ વર્ષીય સલમાન ખાનને બદલે ૪૦ વર્ષીય અભિનેતાને પસંદ કર્યો છે. આ સમાચાર ખુદ સૂરજ બડજાત્યાએ શેર કર્યા છે.
‘પ્રેમ’નું પાત્ર સૂરજની ફિલ્મોમાં હંમેશા ખાસ રહ્યું છે, જે મોટાભાગે સલમાન ખાને ભજવ્યું હતું. તેમની ફિલ્મો જેવી કે મૈંને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ, અને પ્રેમ રતન ધન પાયો સુપરહિટ રહી છે. પરંતુ 2006 ની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘વિવાહ’ માં શાહિદ કપૂરે ‘પ્રેમ’ નું પાત્ર ભજવ્યું હતું, જેમાં અમૃતા રાવ પણ હતી. હવે આ આઇકોનિક ભૂમિકાની જવાબદારી આયુષ્માન ખુરાનાને સોંપવામાં આવી છે.
સૂરજ બડજાત્યાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “અમે આયુષ્માન અને શર્વરી સાથે મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છીએ. આ વાર્તા મુંબઈની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આયુષ્માન એક સમર્પિત અને તેજસ્વી અભિનેતા છે. યોગ્ય વાર્તા અને યોગ્ય કલાકારો સાથે ફિલ્મને વાસ્તવિક બનાવવી મહત્વપૂર્ણ છે. આ ફિલ્મમાં બીજા ઘણા કલાકારો છે જેમ મારી બધી ફિલ્મોમાં થાય છે.”
તેમણે વધુમાં કહ્યું, “દરેક ફિલ્મનું શૂટિંગ કરતા પહેલા હું નર્વસ થઈ જાઉં છું. મૈંને પ્યાર કિયા દરમિયાન જેવું હતું તેવું જ છે. મારા માટે, બોક્સ ઓફિસ કરતાં વધુ મહત્વનું એ છે કે વાર્તાનો દર્શકો સાથે ભાવનાત્મક જોડાણ હોય.” 64 વર્ષીય સૂરજે કહ્યું, “મારા માટે તે ફિલ્મ હોય કે શો તે મહત્વપૂર્ણ છે કે બનાવેલી દુનિયા પ્રામાણિક લાગે. એવું હોવું જોઈએ કે દર્શકોને એવું લાગે કે તે તેમનું પોતાનું ઘર છે. આ મારો સૌથી મોટો પડકાર છે.”
આયુષ્માન ખુરાના હાલમાં રશ્મિકા મંદાના સાથે હોરર ડ્રામા થમાના શૂટિંગમાં વ્યસ્ત છે, જે મેડોકના હોરર બ્રહ્માંડનો એક ભાગ છે.