અમદાવાદમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને શહેરમાં જ્યાં જુઓ ત્યાં મસમોટી બિલ્ડીંગો બની રહી છે. શહેરના રસ્તાઓ મોટા થઈ રહ્યા છે આવામાં શહેરમાં ઝુપડપટ્ટીઓ તોડીને પાક્કા મકાનો બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગરીબાને આપાવમાં આવતા પાક્કા મકાનોની સ્કિમમાં કૌભાંડો થયાના આક્ષેપો અને આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યાનો મામલો સામે આવ્યો છે.
અમદાવાદ શહેરમાં રામાપીર ના ટેકરા પર ખુબ જ મોટો સ્લમ વિસ્તાર આવેલો છે અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા PPP ના ધોરણે રિડેવલોપમેન્ટની સ્કિમ બની રહી છે. જ્યાં અહીં અલગ અલગ કુલ 6 સેક્ટર બનવાનો પ્લાન છે. 6 સેક્ટરમાંથી ત્રણેક બની ગયા છે ને ત્રણેક સેક્ટર બનવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ અહીં હવે કૌભાંડોનો રેલો સામે આવી રહ્યો છે.
અમદાવાદમાં રામાપીરના ટેકરા ખાતે સ્લમ રિડેવલોપમેન્ટ PPP ધોરણે બની રહેલા મકાનોનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. લગભગ 150 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યા પણ થઈ છે ત્યાં જ આરોપી રાજુ કરાટે અને તેનો સાગરીત કમલેશ ફરાર છે. જોકે આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં ચાર જેટલા લોકોની ધરપકૃડ કરી લેવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં રામાપીરના ટેકરા ખાતે વર્ષો અગાઉ ગુનાખોરી કરનારો રાજુ કરાટે ફરીથી એક વાર ચર્ચામાં આવ્યો છે. ગુનાની દુનિયામાં પહેલા રાજુ કરાટે હવે બાવો બની ગયો છે. અને બિલ્ડર લોબી સાથે જોડાઈને કામ કરી રહ્યો છે. ગરીબોના મકાનો છીનવી આ રાજુ કરાટે હવે ટોપનો સોપારી કિલર બને તો નવાઈ નહીં. કારણ કે આ રાજુ કરાટે પર આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિક પરમાર ઉર્ફ રસિક ક્રાંતિકારીની હત્યાનો આરોપ છે.
PM નરેન્દ્ર મોદી પહેલાં રાજુ કરાટે નામના લુખ્ખાએ ડ્રો કરી નાખ્યો!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે મહિના પહેલાં ઓગસ્ટમાં અમદાવાદ આવ્યા હતા અને અનેક વિકાસ કાર્યોનો શુભારંભ કર્યો હતો. તેમાં આ રામાપીરના ટેકરાના ફ્લેટનો ડ્રો કરીને એલોટમેન્ટ કર્યુ હતું. અહીંયા ટ્વિસ્ટ એ છે કે વડાપ્રધાન ફ્લેટનો ડ્રો કરે તેના થોડાં દિવસો પહેલાં રસિક પરમારની હત્યાનો આરોપી રાજુ કરાટે ડ્રો કરી નાંખ્યો હતો!! સવાલ એ છે કે આ રાજુ કરાટેને સરકારી ફાઇલ કોણે આપી? તે એક ત્રાહિત વ્યક્તિ છે તો તે ડ્રો કેવી રીતે કરી શકે ? કોર્પોરેશનના સ્લમ વિભાગના અધિકારીની આમાં મિલીભગત છે કે કેમ? આ બાબતે ગુજરાત સરકારે આંખ ખોલીને તપાસ કરાવવી જોઈએ.


