સુરતઃ શહેરમાં આર્થિક સ્થિતિ સુધારી આપવાના બહાને અને તાંત્રિક વિધિના નામે એક ભુવાએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ મહિલાને વિશ્વાસમાં લઈ તાંત્રિક વિધિના બહાને ટુકડે ટુકડે 14 લાખ રૂપિયાની રકમ ભુવાએ પડાવી લીધી હતી. જેથી મહિલાએ આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે ભુવા કનુ કોરાટની ધરપકડ કરી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી મહિલાના ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ હતી. ત્યારે મહિલાના ઘરની નજીક રહેતા કેટલાક લોકો સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી પ્રમુખ પાર્ક સોસાયટીમાં ઘરે માતાજીના મંદિરે દર મંગળવારે દર્શન કરવા જતા હતા. આ તમામ લોકોએ મહિલાને સલાહ આપી હતી કે, મંગળવારે પ્રમુખ પાર્ક સોસાયટીના મકાન નંબર 283માં આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા જવાથી ઘરની પરિસ્થિતિ સારી થઈ જાય છે.
તેથી આ મહિલા ઘરની પરિસ્થિતિ સારી થઈ જશે તેવી આશા રાખીને માતાજીના દર્શન કરવા માટે ગઈ હતી. જ્યાં મંદિરના માતાજી હેતલબા અને ભુવા કનુ કોરાટે મહિલાના ઘરની પરિસ્થિતિ સારી થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ અલગ અલગ વિધિના બહાને મહિલા પાસેથી પૈસા પણ પડાવવામાં આવ્યા હતા. મહિલાને પણ ભુવા પર ખૂબ જ વિશ્વાસ હતો કે, તે મહિલાના ઘરની પરિસ્થિતિ તાંત્રિક વિધિ કરીને સારી કરી દેશે.
વિધિના બહાને ભુવા કનુ કોરાટે મહિલા પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ એક દિવસ ભુવા દ્વારા મહિલા પર નજર ખરાબ કરી તેને તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં રહેલા માતાજીના મઢમાં બોલાવવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને ભુવા કનુ કોરાટે ધ્યાનમાં બેસાડી હતી અને કેટલીક તાંત્રિક વિધિ કરી હતી. ભુવાએ મહિલાના માથા પરથી લીંબુ મરચાં ઉતારી આંખો બંધ રાખવાનું જણાવ્યું હતું. પછી માયાની પ્રાપ્તિ માટે મહિલાને કપડાં ઉતારવાનું કહ્યું હતું. ત્યારે મહિલાએ કપડાં ઉતારવાની ના પાડીને આંખો ખોલી હતી. ત્યારબાદ ફરીથી ભુવાએ કામના સંતોષવા માટે મહિલાને આંખો બંધ કરવાનું કહી મહિલાને જમીન પર સુવડાવી દીધી હતી અને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું.
દુષ્કર્મ બાદ ભુવા કનુ કોરાટે મહિલાને તાંબાનો કળશ આપ્યો હતો અને તેના પર કપડું બાંધેલું હતું. ભૂવાએ કહ્યું હતું કે, જો તને વિશ્વાસ હશે તો હીરા મોતી નીકળશે પરંતુ ત્યારબાદ મહિલાએ આ કળશ જોતા તેમાં પથ્થર નીકળ્યા હતા અને ત્યારબાદ મહિલાને ભાન થયું કે, ભુવાએ તેની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે અને વિધિના બહાને દુષ્કર્મ આચાર્યુ છે. તેથી મહિલાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભુવા કનુ કોરાટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.