Monday, December 23, 2024

અમદાવાદમાં દંપતીના શંકાસ્પદ હાલતમાં મળ્યા મૃતદેહ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

Share

અમદાવાદઃ કોમર્સ સર્કલ નજીક આવેલા ફ્લેટમાં દંપતીનો શકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. અર્ધનગ્ન અવસ્થામાં મળેલા મૃતદેહ પાછળ હત્યા કે આત્મહત્યાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. મૃત્યુ પહેલાં CCTV પણ સામે આવ્યા હતા. ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના કોમર્સ સર્કલ નજીક આવેલા અનુશ્રી ફલેટના સિક્યોરિટી ગાર્ડ એવા દંપતીની શકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. સવારે સોસાયટીના રહીશો આવ્યા ત્યારે સિક્યોરિટી ગાર્ડ ગણેશ બહાદુર બસનેત અને તેની પત્ની સુમિબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા ગણેશનો અર્ધનગ્ન અવસ્થામાં મૃતદેહ મળ્યો હતો. જ્યારે તેની પત્ની મૃત હાલતમાં મળી હતી. આ ઘટના પહેલાના CCTV ફૂટેજ ચેક કરતા ઝઘડા અને મૃતક ગણેશની અવરજવર જોવા મળી હતી. પરંતુ આ દંપતીના મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ દંપતી મૂળ નેપાળના રહેવાસી છે. 4 મહિના પહેલાં જ અનુશ્રી ફ્લેટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે જોડાયા હતા. બે દિવસથી ગણેશ માનસિક તણાવમાં હોવાનું સ્થાનિક કહે છે. ઘટનાની રાત્રે પણ પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાની શકયતા છે. આ દંપતીએ આપઘાત કર્યો છે કે હત્યા થઈ છે, તેમજ કોઈ કેફી પીણું પીવાથી મોત થયું છે તે તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુજરાત યુનિવર્સિટી પોલીસે દંપતીના મોત મામલે FSL અને પોસ્ટમોર્ટમના રિપોર્ટને લઈને તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સ્થાનિક રહીશો અને મિત્રો તેમજ પરિવારના સભ્યોના નિવેદનો લઈને તપાસ શરૂ કરી છે.

Read more

Local News