Saturday, August 30, 2025

AMC દ્વારા નવી પહેલ, શરૂ કરવામાં આવી ‘બાળવાટિકા ઓન વ્હિલ્સ’

Share

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિગ્નલ સ્કૂલ તો શરૂ કરવામાં આવી જ છે, પરંતુ હવે દેશમાં પ્રથમવાર ‘બાળવાટિકા ઓન વ્હીલ્સ’ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ વિક્રમનાથજી અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો દેશ લેવલે સૌ પ્રથમવાર કહી શકાય તેવી વિશિષ્ટ પહેલ એટલે કે બાલવાટિકા શરૂ કરવામાં આવી. જેનું નામ અપાયું છે બાળવાટિકા ઓન વ્હીલ્સ. જે બાળકો સંજોગોવસાત્ શિક્ષણની તકોથી વંચિત છે અને જેમની ઉંમર 6 વર્ષથી ઓછી છે તથા અતિગરીબ અને શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળે, તેમનું જીવન ધોરણ સુધરે અને ભવિષ્યમાં તેઓ સારા નાગરિક બને તેવા ઉમદા આશયથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

બાળકો માટે બનાવેલી ખાસ હરતી-ફરતી શાળા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં બાળકોને બાલવટિકાનાં રંગબેરંગી પુસ્તક, મહાવરા માટે નોટબુક,પાટી-પેન, શૈક્ષણિક રમકડાં, શૈક્ષણિક વાર્તા, ગીતો ઇન્સ્ટોલ કરેલ ટીવી સેટ, બ્લેક બોર્ડ, પાણીની સગવડ આપવામાં આવી છે.

ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં ઇન્ચાર્જ ડેપ્યૂટી કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે અનેક બાળકો વિવિધ કારણોસર સ્કૂલમાં જઈ શકતા નથી અને તેઓ માટે આ પ્રકારની સિગ્નલ સ્કૂલ અને બાળવાટિકા શરૂ કરવામાં આવી છે. સ્કૂલ વેનમાં બે શિક્ષકો રહેશે અને બાળકોને અભ્યાસ કરાવશે. આ બસમાં એક વરસ સુધી બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે અને ત્યારબાદ તેમને નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવશે. પાયલોટ પ્રોજેકટ અંતર્ગત આ બસ સાબરમતી વિસ્તારમાં ફરશે અને બાળકોને અભ્યાસ કરાવશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથનાં હસ્તે આજે ભારત દેશમાં સૌ પ્રથમવાર કહી શકાય તેવી બાલવાટિકાના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવાનું શ્રેય ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરને પ્રાપ્ત થાય છે, જે આપણા સૌના માટે ગૌરવશાળી બાબત છે. ઉલ્લેખનીય છે કે, ગરીબ વિધાર્થીઓ માટે કાનૂની સત્તા મંડળ અને AMC સ્કૂલ બોર્ડ દ્વારા 12 જેટલી સિગ્નલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાથીઓ અભ્યાસ કરી રહ્યા છે.

Editor
Editorhttps://gujaratlokshahinews.com
ગુજરાતી વેબસાઇટ કે જે વિશ્વસનિય સમાચાર સાથે તમને સતત અપડેટ રાખે છે ! ગુજરાત, ભારત અને વિશ્વભરના સમાચારો માટેના તમારા વિશ્વસનીય સ્ત્રોતમાં આપનું સ્વાગત છે. ગુજરાત લોકશાહી ન્યૂઝ વેબસાઇટ એ રાજ્ય, દેશ અને વિદેશના નવીનતમ અને મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતી ભાષામાં પહોંચાડવા માટે સમર્પિત છે.

Read more

Local News