અમદાવાદઃ શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે PSIએ PIના ત્રાસથી કંટાળી ગયા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જેમાં એક PSIએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, PIના ત્રાસથી મને આપધાત કરવાનો વિચાર આવે છે. ત્યારે અન્ય એક PSIએ કંટ્રોલ રૂમ ફોન કરીને કહ્યું કે, PI દર વખતે બંદોબસ્તમાં મોકલી મને હેરાન કરી રહ્યા છે. આ ઘટના બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા H ડિવિઝન ACPને તપાસ સોંપાઈ છે.
PSI જયંતિ શિયાળે લેખિતમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરને PI કેડી જાટ દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. PSI જેવી શિયાળે આરોપ લગાવ્યો છે કે, PI દ્વારા સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જેથી મને આપઘાત કરવાના વિચારો આવે છે. આ બાબતને લઇને તેમણે ઉચ્ચ અધિકારીઓથી માંડીને ગૃહ વિભાગ સુધી પત્ર લખ્યો છે. ત્યારે PSI રાજેશ યાદવે ગત મોડી રાત્રે શહેર કંટ્રોલ રૂમમાં ફોન કરીને PI જાટ વિરુદ્ધ આરોપ લગાવ્યો છે અને કહ્યું કે, કોઈ પણ બંદોબસ્ત હોય મને મોકલી ખોટી રીતે હેરાન કરે છે. અન્ય કોઈ PSIને બંદોબસ્ત આપતા જ નથી. જેને લઇ PSI યાદવે નિકોલ પોલીસના ગ્રુપમાં માથાકૂટ કરી હતી. આ ગ્રુપની ચેટ સામે આવી હતી. જો કે, બંને PSI દ્વારા કરવામાં આવેલી ફરિયાદને લઈને ACP H-ડિવિઝન R.D ઓઝાને તપાસ સોંપવામાં આવી છે. જેમાં તપાસ અધિકારી દ્વારા બંને PSI ઉપરાંત PI કે.ડી જાટને બોલાવીને તેમના નિવેદન લેવામાં આવશે. આ ઉપરાંત બંને PSIના પાછલા બે મહિનાની કામગીરીના રેકોર્ડ પણ તપાસવામાં આવશે. જે નિવેદન અને તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવશે.
નોંધનીય છે કે, PSI શિયાળે લખેલા લેટરમાં ઉલ્લેખ કાર્યો છે કે , PI કેડી જાટ ઓગસ્ટ 2022થી નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓ અવારનવાર સ્ટાફના માણસો અને અધિકારીઓને મન ફાવે તેમ ગાળો બોલી અપમાન કરે છે. તેમના ત્રાસથી નિકોલ પોલીસ સ્ટેશનના સાતથી આઠ માણસો સ્વેચ્છાએ નિકોલ પોલીસ સ્ટેશન ખાતેથી બદલી કરાવી અને કંટ્રોલરૂમ ખાતે બદલી કરાવી લીધેલી છે.
આ ઉપરાંત ASI જલ્પાબેનને પણ તેમની ફરજ દરમિયાન અવારનવાર ગાળો બોલી અપમાનિત કરતા હોવાથી તેમણે સેક્ટર-2ના સાહેબને મૌખિક રજૂઆત પણ કરી છે. PSI શિયાળે આ પ્રકારનો લેટરમાં ઉલ્લેખ કર્યો છે. PSI શિયાળે પત્ર લખ્યા બાદ ગઈકાલે રાત્રે વધુ એક પીએસઆઇ રાજેશ યાદવે પણ કંટ્રોલ રૂમમાં ફોન કરીને PI કેડી જાટ સામે ફરિયાદ કરી હતી. PSI યાદવે કરેલી ફરિયાદ પ્રમાણે PI જાટ વારંવાર તેમને ક્રિકેટ બંદોબસ્ત સોંપવામાં આવે છે અને માનસિક ત્રાસ આપે છે. જેથી તેમને પણ આપઘાત કરવાનો વિચાર આવે છે.
આ ઘટના બાદ PSI શિયાળને ન્યુઝ કેપિટલ ટીમે સંપર્ક કરી પૂછતા તેમણે હાથ જોડી કહ્યું કે, મારે કશું કહેવું નથી. ત્યારે અન્ય PSI યાદવે ફોન ઉપાડ્યો હતો નહીં. બીજી બાજુ આ ઘટનાથી PI કેડી જાટે ફોન પર વાતચીત કરતા કહ્યું કે, આમાં મારે કશું નથી કહેવું તપાસ ચાલી રહી છે.