અમદાવાદઃ લોકસભાની ચૂંટણી લઈને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે મિશન ચાલુ કર્યું છે. ગુજરાત રાજ્ય અને આંતર રાજ્યના વોન્ટેડ આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે 50 જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે. જેમાંથી એક આરોપી તો 34 વર્ષથી ફરાર હતો, તેને પકડવામાં પણ સફળતા મળી છે.
અમદાવાદ પોલીસે 4800 જેટલાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે મિશન હાથ ધર્યું છે. હાલ તેમાંથી 50 જેટલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઈને ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં આ અભિયાન માટે 38 ટીમ બનાવવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને મધ્યપ્રદેશમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એક વર્ષથી લઈને 34 વર્ષથી વોન્ટેડ આરોપીને પકડવામાં પોલીસને સફળતા સાંપડી છે.
આગામી ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અમદાવાદમાં અનેક ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા ગુજરાત પોલીસે વોન્ટેડ આરોપી મિશન શરૂ કર્યું છે. જેમાં ગુજરાતમાં રખડતા આંતરરાજ્યના આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી જુદા જુદા જિલ્લા અને શહેરોમાં તેની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે.
જેમાં અમદાવાદમાં અત્યાર સુધીમાં 4800 જેટલા આરોપી વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. આ વોન્ટેડ આરોપીની તપાસ કરતા 12 જેટલા આરોપી મૃત્યુ પામ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જ્યારે 16 આરોપી અન્ય ગુનામાં જેલવાસમાં સજા કાપી રહ્યા હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત કેટલા આરોપીએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરી, લૂંટ, છેતરપિંડી અને પ્રોહિબિશન એક્ટ હેઠળના 50 જેટલા વોન્ટેડ આરોપી ઝડપ્યા છે. જેમાં 34 વર્ષથી ઓઢવ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ બે આરોપી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી બાબુ વણઝારા અને દેવા ઉર્ફે દેવીલાલ વણઝારાએ જુવાનીમાં છેતરપિંડી કરી હતી અને વૃદ્ધા અવસ્થામાં તેમની ધરપકડ કરવામાં આવી છે.
તેવી જ રીતે ક્રાઇમ બ્રાન્ચે ભૂમાફિયાની ધરપકડ કરી છે. જેમાં 2022માં ખેડૂત સાથે મળીને ખોટા દસ્તાવેજ બનાવીને જમીન માલિકની જાણ બહાર જમીન પચાવી પડવાનું ષડયંત્ર રચ્યું હતું. આ મિશન અંતર્ગત સૌથી વધુ 12 આરોપી એક વર્ષથી વોન્ટેડ હતા. તેમની ધરપકડ કરી છે. જ્યારે 16થી 25 વર્ષ સુધી વોન્ટેડ 8 આરોપી અને 3 વર્ષથી વોન્ટેડ આરોપી એવા 6 આરોપીની ધરપકડ કરી છે. આ પ્રકારે 50 જેટલા વોન્ટેડ આરોપી પકડાયા છે.
નવાઈની વાત તો એ છે કે, પોલીસના રેકોર્ડ પર હજી 4200થી વધુ આરોપીઓ વોન્ટેડ છે. જેમાં ગંભીર ગુના અને પ્રોહિબિશન આરોપીઓ જ વોન્ટેડ છે. જેમાં પોલીસ તપાસમાં નામ અને સરનામા પૂરા મળ્યા ન હોવાથી પોલીસ પકડી શકતી નથી.