Bangladesh Violence on Hindu: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી હિંદુઓના ઘરો અને મંદિરો પર હુમલા જોવા મળ્યા. હવે અમેરિકામાં પણ તેની સામે અવાજ ઉઠાવવા લાગ્યો છે. રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી લડી રહેલા વિવેક રામાસ્વામીએ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. લાંબી પોસ્ટમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની ક્વોટા સિસ્ટમ, જે મૂળરૂપે 1971ના યુદ્ધ દરમિયાન બળાત્કાર અને હિંસાના અન્યાયને સુધારવા માટે બનાવવામાં આવી હતી, હવે 2024માં બળાત્કાર અને હિંસાની નવી ઘટનાઓને જન્મ આપ્યો છે.
ચિંતા વ્યક્ત કરતા રામાસ્વામીએ એવું પણ સૂચન કર્યું કે, બાંગ્લાદેશમાં બનેલી ઘટના અમેરિકન લોકોને મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. તેમનું કહેવું છે કે, બાંગ્લાદેશના મુદ્દાઓ અને તકરાર યુએસની પરિસ્થિતિઓ સાથે સુસંગત હોઈ શકે છે અને સમાન સમસ્યાઓ ટાળવા માટે અમેરિકનોએ બાંગ્લાદેશના અનુભવમાંથી શું શીખી શકે છે તે ધ્યાનમાં લેવું જોઈએ. પોસ્ટમાં તેમણે કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ લક્ષિત હિંસા ખોટી છે. આ ચિંતાજનક છે અને પીડિતલક્ષી ક્વોટા સિસ્ટમ માટે ચેતવણી છે.’
બાંગ્લાદેશની ક્વોટા સિસ્ટમ શું હતી?
તેણે આગળ લખ્યું કે, ‘ચાલો અહીં શું થયું તે જાણીએ: બાંગ્લાદેશે તેની આઝાદી માટે લોહિયાળ યુદ્ધ લડ્યું. હજારો બાંગ્લાદેશી નાગરિકો પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. તે એક દુર્ઘટના હતી અને તે શોકને પાત્ર છે. પરંતુ આ પછી બાંગ્લાદેશે તેની સિવિલ સર્વિસમાં નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ લાગુ કરી. 80 ટકા નોકરીઓ ચોક્કસ સામાજિક જૂથો (સ્વાતંત્ર્ય સેનાનીઓ, બળાત્કાર પીડિતો, અન્ડરપ્રેઝેન્ટેડ રહેવાસીઓ વગેરે)ને ફાળવવામાં આવી હતી. મેરિટના આધારે માત્ર 20 ટકા નોકરીઓ આપવામાં આવી હતી.’
હિંદુઓ પર હિંસા
રામાસ્વામીએ નિવેદનમાં આગળ કહ્યું, ‘ક્વોટા સિસ્ટમ આપત્તિ સાબિત થઈ. બાંગ્લાદેશે 2018માં વિરોધને કારણે મોટાભાગના ક્વોટા રદ કર્યા હતા, પરંતુ તેના સંરક્ષકોએ વળતો સંઘર્ષ કર્યો હતો અને આ વર્ષે ક્વોટા સિસ્ટમ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આનાથી વધુ વિરોધ થયો અને સરકારનું પતન થયું. એકવાર અરાજકતા શરૂ થઈ જાય પછી તેને સરળતાથી રોકી શકાતી નથી. કટ્ટરપંથીઓ હવે હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે.’