અમદાવાદમાં વાલ્મીકી પરિવાર સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં અલગ-અલગ આવાસ યોજનાના મકાનોમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપો અવારનવાર કરવામાં આવ્યા છે. ક્યાક મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓની ચૂંક, તો ક્યાંક બિલ્ડરોના મળતિયાઓની ધાક ધમકીથી ગરીબોને મકાનો ખાલી કરાવી દેવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે હવે અમદાવાદ શહેરના રોડ-રસ્તા સાફ કરનાર વાલ્મીકી સમાજના એક ગરીબ પરિવાર સાથે 7 લાખ રૂપિયાની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે.
અમદાવાદના રાણિપ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા ભાનુબેન પ્રવિણભાઈ ગોરિયા નામની મહિલાને રામાપીરના ટેકરા ખાતે મકાન આપવાની વાત કરીને RTI એક્ટિવિસ્ટની હત્યાના આરોપી કમલેશ સોલંકી, તેમજ શકરાભાઈ ભરવાડ અને લાલાભાઈ ભરવાડ નામના લોકોએ 7 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.

વાલ્મિકી સમાજના પીડિત પરિવારને રામાપીરના ટેકરામાં સેક્ટર 3 માં મકાન અપાવવાનું કહી એચ.એન. સફલની ફાઈલ આપી ગુનાહિત વિશ્વાસઘાત કરી મકાનના નામે રૂ।. 7,00,000/ રૂપિયા લઈ છેતરપીંડી કરવામાં આવી છે. જોકે આ મામલે પીડિત પરિવાર દ્વારા વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે પણ ગયા હતા પરંતુ તેઓની ફરિયાદના બદલે માત્ર અરજી લઈ પોલીસે સંતોષ માન્યો હતો. ત્યાં જ આ મામલે અરજી કર્યાના 8 દિવસ બાદ પણ પીડિત પરિવારને આ મામલે તપાસ માટે બોલાવાયા નથી.
વાડજ પોલીસ સ્ટેશન પાસે આરોપીઓનો ધંધો
તમને જણાવી દઈએ કે, જે પરિવાર સાથે 7 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. તે વાલ્મીકી પરિવાર નવાવાડજ સર્કલ પર આવેલ રોડ ઉપર સાફ સફાઈનું કામ કરે છે અને ત્યાં જ પાર્થ ટાવર ખાતે બે આરોપી શકરાભાઈ ભરવાડ અને લાલાભાઈ ભરવાડ ચોકીદારનું કામ કરે છે અને ફ્લેટની નીચે ઓઈલ વેંચવાનો ધંધો કરે છે. આ જગ્યા વાડજ પોલીસ સ્ટેશનના 100 મીટરની આસપાસ આવેલી છે. છતા એક અઠવાડિયા બાદ પણ આ મામલે પોલીસ કોઈ ચોક્કસ કાર્યવાહી કરી કે નહીં તેની જાણકારી પીડિત પરિવારને આપવામાં આવી નથી. વધુમાં પીડિત પરિવારનું કહેવું છે કે,”અમારી સાથે સાત લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે પરંતુ પોલીસ આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરી કે નહીં તે વિશે અમને જાણકારી આપવામાં આવતી નથી, તેમજ છેતરપિંડી કરનારા આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ કૌભાંડ મોટું હોવાથી પોલીસ પણ આરોપીઓને છાવરી રહી હોય તેવું લાગી રહ્યું છે.”
એક આરોપી હત્યાના ગુનામાં સામેલ!
7 લાખ રૂપિયાની આ છેતરપિંડીમાં કમલેશ સોલંકી નામનો વ્યક્તિ પણ છે. જે અગાઉ થરાદ ખાતે થયેલ આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિક ક્રાંતિકારી હત્યા કેસમાં પણ સામેલ હોવનું સામે આવ્યું છે.
શું નકલી ડોક્યૂમેન્ટ બનાવનારો લખપતિ બન્યો?
સૂત્રોનું એવું પણ કહેવું છે કે, રામાપીરના ટેકરા ખાતે એક વ્યક્તિ જે ભૂતકાળમાં ડ્રાયવિંગ લાઈસન્સ, જન્મના પ્રમાણપત્રો તેમજ રાશનકાર્ડ બનાવી આપવાનું કામ કરતો હતો, તેણે સ્લમ રિડેવલપેમન્ટની યોજનામાં નકલી ડોક્યૂમેન્ટો બનાવીને મસમોટી કમાણી કરી લીધી છે. આ વ્યક્તિએ નકલી ડોક્યુમેન્ટ બનાવીને આ વિસ્તારમાં ના રહેતા હોય તેવા લોકોને મકાનો માટે નકલી ડોક્યૂમેન્ટો બનાવી આપ્યા છે. તેમજ આ વ્યક્તિએ બિલ્ડરના મળતિયાઓ સાથે મળી લાખો રૂપિયાની છેતરપિંડી અમદાવાદ કોર્પોરેશન સાથે કરી છે. જો તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તો આ કૌભાંડમાં મોટા ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં મોદી સાહેબ પહેલા એક ગુંડાએ મકાનોનો ડ્રો કરી નાંખ્યો!
રામાપીર ટેકરા કાખે 150 કરોડનું કૌભાંડ
વાડજમાં રામાપીરનો ટેકરા ખાતે રહેતા લોકો પાસેથી તેમના 2010 પહેલાંના દસ્તાવેજ માગવામાં આવે છે, જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, લાઈટ બિલ, ટેક્સ બિલ વગેરે જેવા ડોક્યુમેન્ટ હોય છે. જો કોઈની પાસે એકાદ કાગળ ઓછો હોય તો તેમને કોઈ ને કોઈ બહાને તેમનું નામ લાભાર્થીમાંથી કાઢી નાખવામાં આવે છે. આવી રીતે જેટલા પણ લોકોનાં નામ હટાવી દેવામાં આવ્યાં છે તેમના બદલામાં બીજા લોકોના ખોટા દસ્તાવેજો બનાવી લેવાયા છે. ખોટા દસ્તાવેજો અને આઈડી ફોટોશોપમાં એડિટ કરીને બનાવાય છે. જે રામાપીરના ટેકરીના રહેવાસી નથી છતાં અહીં મકાન લેવું હોય તો તેમને મકાન મળી જાય. એક ફ્લેટ 8 થી 10 લાખ રૂપિયામાં વેચી દેવાય છે. એક દુકાનના પણ 10 થી 15 લાખ લેવાય છે. રામાપીરના ટેકરામાં જે મકાન બની રહ્યાં છે એમાં મૂળ ઝૂંપડપટ્ટીના રહેવાસી સિવાય ખોટા ડોક્યુમેન્ટથી મકાન લેનારની સંખ્યા અનેક ગણી છે.
RTI એક્ટિવિસ્ટ નરેન્દ્ર પરમારના આક્ષેપ
આ આખા કૌભાંડને વકીલ અને RTI એક્ટિવિસ્ટ નરેન્દ્ર પરમારે કહ્યું હતું કે. બિલ્ડર લોબીના મળતિયાઓ દ્વારા બોગસ લાભાર્થીના ડોક્યુમેન્ટને એડિટિંગ કરીને કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. બિલ્ડરન મળતિયાઓ ગરીબ લોકોને 25 કે 50 હજાર આપીને તેમના ડોક્યૂમેન્ટમાં ચેડાં કરીને તેમને લાભાર્થી બનાવી દે છે અને પછી મકાન ફાળવી દે છે પછી તેમની પાસેથી ચાવી લઈને તે મકાન બારોબાર 8 થી 12 લાખ રૂપિયામાં વેચી દેવામાં આવે છે. જો આ કૌભાંડમાં ઊંડી તપાસ કરવામાં આવે તો એકલા સેક્ટર-3માં જ 100 થી વધારે બોગસ લાભાર્થી નીકળી આવશે. જે-તે ડિપાર્ટમેન્ટ તેના ડોક્યુમેન્ટની ખરાઈ કરે તો પોલ બહાર આવી જાય.


