Nageshwar Jyotirlinga: ગઈકાલે સોમનાથ જ્યોતિર્લિંગની વાત કરી હતી. ત્યારે આજે વાત કરીશું નાગેશ્વર જ્યોતિર્લિંગ (Nageshwar Jyotirlinga) વિશે. નાગેશ્વર જ્યોતિર્લિંગની કેવી રીતે ઉત્પત્તિ થઈ અને તેની સાથે જોડાયેલી અવનવી વાતો સહિત તેના ઇતિહાસ વિશે જાણીશું.
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. દ્વારકાથી આ શિવાલય 18 કિલોમીટર દૂર છે. એવી માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણ અહીં મહાદેવનો રુદ્રાભિષેક કરતા હતા. પુરાણો પ્રમાણે ભગવાન મહાદેવને નાગના દેવતા કહેવામાં આવે છે. ભગવાન શિવના સહસ્ત્ર નામમાંથી એક નામ નાગેશ્વર પણ છે, નાગના ઈશ્વર એટલે નાગેશ્વર. નાગ દેવતા હંમેશાં ભગવાન શિવજીના ગળામાં રહે છે. જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે, તેઓ જાણ્યે-અજાણ્યે થયેલાં પાપમાંથી મુક્ત થઈને દિવ્ય શિવલોકમાં સ્થાન પામે છે, તેવી માન્યતા પણ છે.
નાગેશ્વર મહાદેવની પૌરાણિક કથા
દ્વારકા આસપાસનો વિસ્તાર પૌરાણિક કાળમાં દારૂકાવન તરીકે ઓળખાતો હતો. ત્યાં દારુકા નામની રાક્ષસીનું રાજ હતું. તેણે દેવી પાર્વતીને પ્રસન્ન કરવા મહાતપ કર્યું અને વરદાન સ્વરૂપે માગ્યુ કે, ‘વનમાં ઘણી ઔષધિઓ હોય છે, જ્યાં લોકોને તેની જરૂર હોય ત્યાં હું વનને લઈ જઈ શકું એવું વરદાન આપો.’ ત્યારે પાર્વતી માતાએ પ્રસન્ન થઈને સત્કર્મ કરવા માટે દારૂકા રાક્ષસીને વરદાન આપ્યું હતું. શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવભક્ત અને અન્યોને દારુકા રાક્ષસીએ દારુકાવનમાં બંદી બનાવી રાખ્યા હતા. દારૂકાવનમાં ઘણાં બધા સાપ રહેતા હતા. દારૂકા તેમની સ્વામિની હતી. સુપ્રિયાના કહેવાથી સૌએ શિવ નામનાં જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રકટ થયાં. તેમણે દારુકા સહિત રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે સ્વયંભૂ સ્થાપિત થયા. મરતાં પહેલા તે રાક્ષસ કન્યાની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેના નામ અનુસાર ‘નાગેશ્વર’ રાખવામાં આવ્યું હતું.
નાગેશ્વર મંદિરનું મહત્વ
રુદ્ર સંહિતામાં શિવને ‘દારુકાવન નાગેશમ’ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગને મળતા આવતાં અન્ય દેવસ્થાનો જગતેશ્વર અને ઔંધમાં છે. શિવ પુરાણ અનુસાર, નાગેશ્વર દારુકવનમાં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખુલવાનો સમય
નાગેશ્વર જ્યોતિર્લિંગમાં સવારે પાંચ વાગે આરતી થતી હોય છે. ભક્તોના દર્શન માટે મંદિર 6 વાગ્યાથી બપોરે 12-30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સાંજે ચાર વાગે જ્યોતિર્લિંગનો શ્રૃંગાર થાય છે, તે પછી ગર્ભગૃહમાં પ્રવેશ બંધ થઈ જાય છે. સાંજે 5 વાગ્યાથી રાતે 9-30 વાગ્યા સુધી મંદિર શ્રૃંગાર દર્શન માટે ખુલે છે. આરતીનો સમય સાંજે 7 વાગ્યાનો છે. શિવરાત્રિ, શ્રાવણ સોમવાર તથા અન્ય વિશેષ તહેવારોના સમયે આ મંદિર વધારે સમય સુધી ખુલ્લું રહે છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન
મુખ્ય દ્વારથી અંદર જતા જ પૂજન સામગ્રીની નાની-નાની દુકાનો જોવા મળશે. જ્યાંથી તમે પ્રસાદ વગેરે લઈ શકો છો. નાગેશ્વર શિવલિંગ ગોળ અને કાળી શિલાથી બનેલાં ત્રિ-મુખી રૂદ્રાક્ષ સ્વરૂપમાં સ્થાપિત છે. શિવલિંગ ઉપર એક ચાંદીનું આવરણ ચઢેલું છે અને એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. નાગેશ્વર શિવલિંગ પાછળ માતા પાર્વતીની સુંદર મૂર્તિ સ્થાપિત છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવા માટે પુરૂષોએ ધોતી પહેરીને આવવું જરૂરી છે. આ ઉપરાંત નાગેશ્વર મંદિરના પરિસરમાં ભગવાન શિવની ધ્યાનમુદ્રામાં એક વિશાળ મૂર્તિ જોવા મળે છે. આ મૂર્તિ 125 ફૂટ ઊંચી તથા 25 ફૂટ પહોળી પ્રતિમા પદ્માસન મુદ્રામાં બનેલી છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનથી મળે છે પાપમુક્તિ
ગર્ભગૃહ સભામંડપથી અમુક દાદરા નીચે ઉતરો ત્યારે આવે છે. જ્યોતિર્લિંગ સામાન્ય કરતાં મોટા આકારનું છે જેના ઉપર ચાંદીનું આવરણ ચઢેલું છે. જ્યોતિર્લિંગ ઉપર જ એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. ગર્ભગૃહમાં પુરૂષ ભક્ત અભિષેક કરવા માટે ધોતી પહેરીને જ પ્રવેશ કરી શકે છે. શિવપુરાણ પ્રમાણે, નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ તેમની ઉત્પત્તિ અને માહાત્મ્ય સંબંધિત કથાને સાંભળવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઇ જાય છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું?
નાગેશ્વર જ્યોતિર્લિંગ જવા માટે પહેલાં તમારે દ્વારકા આવવું પડશે. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા ધામથી લગભગ 18 કિમી દૂર છે. દ્વારકાથી નાગેશ્વર આવવા માટે રિક્ષા માટે સૌથી ઉત્તમ સાધન છે.
- હવાઈ માર્ગ – નાગેશ્વરથી લગભગ 145 કિલોમીટર દૂર જામનગર એરપોર્ટ અને 125 કિલોમીટર દૂર પોરબંદર એરપોર્ટ આવેલું છે. અહીંથી તમે ટેક્સી કે કેબ દ્વારા દ્વારકા કે નાગેશ્વર મંદિર પહોંચી શકો છો.
- રેલ માર્ગ – નાગેશ્વર જવા માટે દ્વારકા કે ઓખા રેલવે સ્ટેશન ઉપર ઉતરવું પડશે. અહીંથી તમે ટેક્સી, બસ કે કેબ દ્વારા નાગેશ્વર પહોંચી શકો છો.
- સડક માર્ગ – તમે દ્વારકાથી નાગેશ્વર પહોંચી શકો છો. દ્વારકા રાજ્યના શહેરો સાથે સડક માર્ગે જોડાયેલું છે. દેશના અનેક મોટા શહેરોથી દ્વારકા માટે બસ સેવા મળી રહે છે.