અમદાવાદઃ પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ રહી છે. ત્યારે આજે પ્રથમ દિવસે જાણીશું સોમનાથ મહાદેવના ઇતિહાસ વિશે અને તેમની સાથે જોડાયેલી કેટલીક અવનવી વાતો…
ગુજરાતમાં વેરાવળના દરિયાકિનારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ આવેલું છે. ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં સોમનાથ શહેર આવેલું છે અને દરિયાકિનારે સોમનાથ મહાદેવનું ભવ્ય શિવાલય છે. પૌરાણિક કાળમાં આ જગ્યા પ્રભાસ તીર્થ તરીકે ઓળખાતી હતી. એવું માનવામાં આવે છે કે, ચંદ્રદેવે જ સોમનાથ મહાદેવના શિવલિંગની સ્થાપના કરી હતી. એટલે ચંદ્રનું બીજું નામ સોમ છે તેથી ‘સોમનાથ મહાદેવ’ તરીકે ઓળખાય છે.
શું છે પૌરાણિક કથા?
ચંદ્રના લગ્ન પ્રજાપતિ દક્ષની 27 પુત્રી સાથે થાય છે. પરંતુ ચંદ્ર તેમાંથી રોહિણીને સૌથી વધુ પ્રેમ કરતો હતો અને અન્ય 26 રાણીઓની અવગણના કરતો હતો. ત્યારે અન્ય 26 રાણીઓએ જઈને પિતા પ્રજાપતિ દક્ષને આ વાત કરી. આ જોઈ વ્યથિત થઈને દક્ષે ચંદ્રને ક્ષીણ થવાનો શાપ આપ્યો હતો અને ચંદ્ર દિવસેને દિવસે પોતાનો પ્રકાશ ગુમાવતો જતો હતો. ચંદ્ર પ્રજાપિતા બ્રહ્માજીને આ ઘટનાની વાત કરે છે અને તેમની સલાહથી ચંદ્ર પ્રભાસ તીર્થ પર આવીને સમુદ્રકિનારે ભગવાન ભગવાન શિવની પૂજા કરે છે.
ચંદ્રદેવની તપસ્યા અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમને આશીર્વાદ આપે છે. આ સાથે જ પ્રજાપતિ દક્ષના શાપમાંથી તેમને મુક્તિ કરે છે. ચંદ્રની વિનંતીથી ભગવાન શિવ અહીં જ સમુદ્રકિનારે જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજ્યા છે. ચંદ્રદેવનું બીજું નામ સોમ છે એટલે મહાદેવ અહીં ‘સોમનાથ મહાદેવ’ સ્વરૂપે બિરાજ્યા છે. ઇ.સ.122માં ભાવ બૃહસ્પતિએ રચેલી સોમનાથ પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ, સોમનાથનું પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રદેવે સોનાથી બનાવ્યું હતું. બીજા યુગમાં રાવણે ચાંદીનું મંદિર બનાવ્યું હતું. શ્રીકૃષ્ણએ ચંદનના લાકડાનું મંદિર બનાવ્યું અને ભીમદેવે પથ્થર મંદિર બનાવડાવ્યું હતું.
શ્રાવણના ત્રીજા દિવસે થઈ હતી પહેલી પ્રાણ-પ્રતિષ્ઠા
પ્રાચીન ભારતીય શાસ્ત્રીય ગ્રંથો પર આધારિત સંશોધન દર્શાવે છે કે, સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ-પ્રતિષ્ઠા સૌપ્રથમ વૈવસ્વત મન્વંતરના દસમા ત્રેતાયુગ દરમિયાન શ્રાવણ મહિનાના ત્રીજા દિવસે થઈ હતી. શ્રીમદ જગદગુરુ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાન, વારાણસીના અધ્યક્ષ સ્વામી શ્રી ગજાનંદ સરસ્વતીજીએ સૂચવ્યું હતું કે, સ્કંદ પુરાણના પ્રભાસખંડની પરંપરાઓ પરથી ઊતરી આવેલા આ પ્રથમ મંદિરનું નિર્માણ 7,99,25,105 વર્ષ પહેલાં થયું હતું. આમ, આ મંદિર અનાદિ કાળથી હિંદુઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
સોમનાથ મંદિરનું માળખું?
સોમનાથ મંદિરની જમીનથી શિખર સુધીની ઊંચાઈ 155 ફૂટ છે, તેની ઉપરનો ધ્વજદંડ 37 ફૂટનો છે અને એક ફૂટનો પરિઘ ધરાવે છે. ધ્વજની લંબાઈ 104 ફૂટ છે. મંદિરને શિખર ભાગ સુધી સાત માળ છે. ગર્ભગૃહ તથા તેની ઉપરનો ભાગ મળીને છ માળનું આ મંદિર છે. મંદિરના સભાગૃહ તેમજ નૃત્યક મંડપમાં કુલ ત્રણ ત્રણ માળ છે. તેના પર સવર્ણા એટલે કે ઘુમ્મટનો ઉપરનો ભાગ આવે છે. આ બંને સવર્ણા ઉપર આમલસરા બનાવીને તેના ઉપર સોનાના કળશની પ્રતિષ્ઠા કરી છે. ગર્ભગૃહની ઉપરના શિખર પર 10 ટન વજનનો પથ્થરનો કળશ છે. જ્યારે નૃત્ય મંડપ પરનો કળશ 9 મણનો છે. સભામંડપ તથા નૃત્ય મંડપ પ્રત્યેપકના ઘુમ્મટ પર 1001 કળશ કંડારવામાં આવ્યાં છે. સોમનાથના આ સ્થાપનની ભૌગોલિક વિશિષ્ટતા એ છે કે, અહીંથી દરિયામાર્ગે સીધી લીટીમાં જતા દક્ષિણ ધ્રુવ સુધી ક્યાંય કોઈ જમીન નથી.
કેવો છે સોમનાથ મંદિરનો વાસ્તુ વૈભવ?
મંદિર સ્થાપત્ય માટે વાસ્તુવિદ્યામાં દેવ પ્રાસાદ નિર્માણની આઠ શૈલી છે. ભૂમિની, વિમાન, લલીતા, દ્રવિડ, નાગર, વિરાટ, સાવનધારા, અને મિશ્રક. તેમાંથી નાગર શૈલીમાં આ મંદિરનું બાંધકામ થયું છે. શિલ્પ સ્થાપત્ય પ્રમાણે શિવ પ્રાસાદના પાંચ પ્રકારો છે. વૃષભ, ગિરીકુટ, કૈલાસ, અમરલ અને મેરૂ. વર્તમાન સોમનાથ મંદિર કૈલાસ મહામેરૂ પ્રાસાદ તરીકે ઓળખાય છે.
આ પ્રસાદની વિશિષ્ટતા એ છે કે, નાગર શૈલીમાં બંધાયેલો આ પ્રાસાદ છેલ્લાં આઠસો વર્ષ પછી બન્યો છે. નવનિર્મિત સોમનાથ મંદિરમાં ગર્ભગૃહ ઉપરાંત સભામંડપ અને નૃત્યમંડપ પણ છે. ભગવાન શિવને નટરાજ એટલે કે નૃત્યના રચયિતા આદ્યપુરૂષ ગણવામાં આવે છે. આથી શિવમંદિરમાં નૃત્યમંડપની રચના ઉચિત ગણાય છે. આ મંદિરની ખાસિયત એ છે કે, કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ આકાશનો ચંદ્ર અને શિવલિંગ બંને એક સીધી લીટીમાં આવી જાય છે. જાણે કે, ભગવાન ત્રિપુરારી મસ્તક પર ચંદ્ર ધારણ કરીને સાક્ષાત્ ધરતી પર ન ઊતર્યા હોય તેવું લાગે.
સોમનાથ પર અનેક આક્રમણ થયાં હતાં
સોમનાથ પર થયેલા વિધર્મી આક્રમણો અંગે વાત કરીએ તો, ઈસ 1279માં મહમદ ગઝનીએ, 1347માં અલ્લાઉદ્દીન ખિલજીના સરદાર અફઝલખાંએ અને 1390, 1451, 1490, 1511, 1530 અને 1701માં ઔરંગઝેબ અને અન્ય વિધર્મીઓએ આ મંદિર પર હુમલા કરીને લૂંટ્યું હતું, પરંતુ આવી દરેક પછડાટ પછી પણ તે પુનઃ સ્થાપિત થતું રહ્યું હતું. 13 નવેમ્બર 1947ના રોજ ખંડિત સોમનાથ મંદિરની મુલાકાત લેનારા સરદાર પટેલના સંકલ્પ સાથે આધુનિક મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 11 મે 1951ના રોજ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરી હતી. આ મંદિર આજે પણ અડીખમ ઊભું છે. આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે. મંદિરમાં શ્રીકપર્દી વિનાયક અને શ્રીહનુમાન મંદિર છે. દરરોજ સાંજે મંદિરમાં રોશની કરવામાં આવે છે. રાત્રે 8.00થી 9.00 દરમિયાન ઓપન એર થિયેટરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બતાડવામાં આવે છે.
કેવી રીતે પહોંચવું?
હવાઈ માર્ગ- સોમનાથથી 63 કિમી દૂર દીવ એરપોર્ટ છે. અહીં સુધી હવાઈ માર્ગથી પહોંચી શકાય છે. ત્યાંથી રેલગાડી કે બસની મદદથી સોમનાથ પહોંચી શકાય છે.
રેલ માર્ગ- સોમનાથ માટે દેશના લગભગ બધા જ મોટા શહેરોમાંથી ટ્રેન મળી શકે છે.
સડક માર્ગ- સોમનાથ સડક માર્ગથી બધા મોટા શહેરો સાથે જોડાયેલું છે. અંગત વાહનથી પણ સોમનાથ સરળતાથી પહોંચી શકાય છે.