ભારત દેશની આઝાદી માટે સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના લોહીની આહુતિ આપી દીધી, અંગ્રેજો સામે લડેલા આપણા સ્વતંત્રતા સેનાનીઓને દેશના યુવાનો આજે પણ યાદ કરે છે અને તેમના બલિદાનની વીરગાથાને હૃદયમાં માનભેર રાખી રહ્યા છે. ભારતના ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ વકીલો હતા, જેમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોતીલાલ નેહરુ, આસફ અલી, ભૂલાભાઈ દેસાઈ અને બી.આર. આંબેડકરનો સમાવેશ થાય છે. આ બધા વકીલોએ સ્વતંત્રતા સંગ્રામમાં પોતાની કાનૂની કુશળતાનો ઉપયોગ કર્યો હતો. વાચક મિત્રો આજના આર્ટિકલમાં અમે અમદાવાદના એક એવા વકીલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે હજારો દલિત પરિવારો માટે પ્રેરણારૂપ અને નવી આશાનું કિરણ બન્યા છે અને લોકોની મદદ માટે તેમણે છેલ્લા 7 થી 8 વર્ષમાં માનસિક પીડા, શારિરીક મારની ધમકીઓ સહિત અનેક પ્રકારની મુસીબતોનો સામનો કર્યા છે પરંતુ લોકસેવા માટે તેઓ આજે પણ પહાડની જેમ મજબૂત થઈને ઉભા છે.
દલિત યુવકની વકીલાત અને લોકસેવાની પરંપરા
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા ખાતે રહીને વકીલાતનો અભ્યાસ કરનાર નરેન્દ્ર સવજીભાઈ પરમારનું નામ લોકો હવે ભૂલી ગયા છે. દલિત સમાજમાં હવે નરેન્દ્રભાઈને લોકો માત્ર ‘વકીલ’ તરીકે જ ઓળખે છે અને સંબોધે છે. કારણ કે હંમેશા કાળો કોટ પહેરી રાખવો, દોરી વિનાના જૂતા પહેરવા જેથી કરીને ક્યાંય જવાનું હોય તો જૂતા પહેરવામાં સમય વેડફાય નહીં. આ બધી વસ્તુઓ ગમે તે સમયે લોકોની મદદ કરવા માટે દોડી જવાની તેમની તૈયારી દર્શાવે છે. નરેન્દ્રભાઈ પરમાર ‘વકીલ’ની લોકસેવા કરવાની ભાવના તેમને વારસામાં મળી છે. તેમના દાદા જેઓને લોકો કે.કે. પરમાર તરીકે ઓળખતા હતા તેઓ પણ લોક સેવા કરવામાં પાછી પાની કરતા ન હતા. ત્યાં જ વકીલના પિતા સવજીભાઈ પરમાર જેઓ અમદાવાદ શહેરમાં વાડજ વિસ્તારોમાં કોર્પોરેટર હતા અને લોકસેવા કરતા હતા.
નરેન્દ્ર પરમાર કેમ ચર્ચામાં આવી ગયા?
વર્ષો પહેલા નરેન્દ્ર પરમાર એલએલબીનો અભ્યાસ પૂર્ણ કરીને વકીલાત કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેઓને સમાજના લોકો તરફથી ઘણા કામો પણ મળવા લાગ્યા હતા. તેઓના પિતાજી પણ સમાજ સેવામાં હતા માટે તેઓને સામાજીક રીતે કોઈ ઓળખાણની જરૂર ન હતી માટે તેઓને નાના-મોટા કેસો મળી જતા હતા, અને પરિવારનું ગુજરાન પણ સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ વર્ષ 2016માં તેમના વિસ્તારમાં પીપીપી પોલીસી (સરકાર દ્વારા ગરીબોને કાચા મકાન તોડી નવા મકાન આપવા)ની જાહેરાત થઈ અને અહીંથી વકીલના જીવનમાં મોટો બદલાવ આવી ગયો. કારણ કે રામાપીરના ટેકરા ખાતે એવા પરિવારો રહેતા હતા જેઓ ના તો ભણેલા હતા અને ના તો તેઓને સરકારી સ્કિમ વિશે કોઈ જાણકારી હતી. ઉપરાંત આ સ્લમ એરિયામાં કેટલાક એવા અસામાજીક તત્વો પણ હતા જેમણે ગરીબ પ્રજાને ડરાવીને તેઓના મકાનો પડાવી લેવા, નકલી ડોક્યૂમેન્ટ બનાવી ઘરો પચાવી પાડવા અને ગરીબોના ડોક્યૂમેન્ટ લઈ મકાનો બને તે પહેલા જ તેને વેચી નાંખવા જેવી માથાકુટો સામે આવવવા લાગી હતી. આ ઘટનાઓ શરૂ થતાની સાથે જ ગરીબ પ્રજા વકીલ પાસે મદદ માટે પહોંચ્યા હતા. અને પોતાની તકલીફોની વેદના વકીલ સમક્ષ રજૂ કરી હતી. જે બાદ વકીલે તમામ લોકોની મદદ કરવાનું બીડુ ઉપાડ્યું અને બસ અહીંથી જ નરેન્દ્ર પરમારના જીવનમાં શરૂ થયું ‘સંગ્રામ’.
લોકસેવા કરવા નિકળેલા વકીલ અને સામે અસામાજીક તત્વો
રામાપીરના ટેકરા પર 80 ટકાથી વધુ લોકો દલિત સમુદાયના હોવાનું કહેવાય છે. નરેન્દ્ર પરમારે ગુંડાતત્વો અને સરકારની આંખોમાં ધૂળ નાંખીને ગરીબોના મકાનો પડાવનારા અને કૌભાંડ કરનારા લોકોને પકડી પાડવા અને ગરીબ પ્રજાની મદદ કરવાનું બીડુ તો ઉપાડી લીધુ. લોકસેવામાં વકીલ સાહેબ એટલા વ્યસ્ત થઈ ગયા કે દરરોજ કોઈને કોઈ ગરીબની વાત સાંભળવી અને તેનું નિરાકરણ લાવવું તેમની પ્રાથમિક્તા બની ગઈ, આ દરમિયાન આ વિસ્તારમાંથી કેટલાક અસામાજીક તત્વો તેઓને ધાકધમકી આપવા લાગ્યા. હદ તો એ પણ થઈ કે ગુંડાઓ તેમની સામે ગેરવર્તન કરવા લાગ્ચા. કેટલાક ગુંડાઓએ તેઓને મારવાની ધમકીઓ આપી તો કેટલાકે રાતોરાત ગાયબ કરી દેવાની ધમકી આપી. છતા વકીલ ક્યાંય અટકયા નહીં અને ગરીબ પ્રજાની મદદ કરતા રહ્યા.
ગરીબોને પાકા મકાનો અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા
હાલમાં રામાપીરના ટેકરા ખાતે સરકારે (પીપીપી યોજના) અંતર્ગત મકાનો બનાવી દીધા છે અને કેટલાક મકાનોની ફાળવણી પણ કરી દેવાઈ છે. જોકે ગરીબ પરિવારોના મકાનો અસામાજીક તત્વો દ્વાપા પડાવી લેવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં કેટલાક ગુંડાઓએ પરિવારોના ઘરની ચાવીઓ બારાબોર લઈ લીધી અને તેના પર ગેરકાયદેસર કબ્જો પણ કરી લીધો હતો. જોકે આ વાત નરેન્દ્ર વકીલના ધ્યાને આવતા જ તેમણે અમદાવદ કોર્પોરેશનના સરકારી અધિકારીઓને આ વાતની જાણકારી આપી હતી અને ગરીબ લોકોને તેમના પોતાના મકાનો પાછા અપાવ્યા હતા. જોકે વાત અહીં પણ અટકતી નથી, હવે નરેન્દ્ર પરમારે જે ગરીબોને મકાનો અપાવ્યો છે તેઓને મકાન ખાલી કરી દેવા અને પોતાના જ મકાનો તરફ ડોકિયું ના કરવાની ધમકીએ લુખ્ખાતત્વો દ્વારા આપવામાં આવી રહી છે. જોકે વકીલ નરેન્દ્ર પરમારે આ અંગે વાડજ પોલીસ સ્ટેશન ખાતે જીવના જોખમ વિશે પોતાની અને ગરીબોના રક્ષણ માટે રજૂઆત કરી છે.
જોકે હવે સવાલ હવે એ પણ ઉભો થાય છે કે, શું દેશને વધુ એક વકીલની આહૂતિ જોવાનો વારો આવશે. કારણ કે દેશમાં ગણા એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં વકીલો પર હુમલા થયા છે.