Sunday, December 22, 2024

Independence Day Special: ગુજરાતનું પહેલું પાટીદાર આંદોલન, આ સત્યાગ્રહે ભારતને ‘સરદાર’ આપ્યાં

Share

Independence Day Special: આ વાત છે વર્ષ 1917ની. ચોમાસાની ઋતુમાં ગુજરાતના ખેડા જિલ્લામાં કુદરતે કહેર મચાવ્યો હતો. સતત ચાર દિવસ પડેલા 70 ઇંચ વરસાદે બધું જ તહેશનહેશ કરી નાંખ્યું હતું. આખા જિલ્લાના ખેડૂતોનો પાક ધોવાઈ ગયો હતો. તો વળી, બચેલો પાક ઉંદરો ખાઈ ગયા હતા તો અડધા પાકમાં જીવડાં પડી ગયા હતા. એમાંય અંગ્રેજ સરકારે ખેડૂતો પાસેથી જમીનનો કરવેરો ઉઘરાવવા માટે દબાણ કર્યું અને શરૂ થયું ગુજરાતનું પહેલું પાટીદાર આંદોલન એટલે કે ‘ખેડા સત્યાગ્રહ’…

શરૂઆતથી સમગ્ર ઘટનાની વાત કરીએ તો, 15મી નવેમ્બર, 1917ના દિવસે કઠલાલમાં રહેતા ખેડૂતોએ આગેવાન મોહનલાલ પંડ્યા સાથે જઈ અંગ્રેજ સરકારને જમીન વેરો મુલતવી રાખવા માટે અરજી કરી હતી. સમગ્ર ચરોતરના લગભગ 18 હજાર જેટલા ખેડૂતોએ આ અરજીમાં સહી કરી હતી. આ અરજીમાં શરૂઆતથી લઈને આખી ઘટના વિગતવાર સમજાવવામાં આવી હતી. આ સાથે નડિયાદ અને કઠલાલના ખેડૂતોએ આ અરજીની કોપી અલગથી હોમ રૂલ લીગને મોકલી દીધી હતી. ત્યારબાદ 5મી ડિસેમ્બર, 1917ના દિવસે અંગ્રેજ સરકારે કપડવંજ અને ઠાસરામાં વેરો ઉઘરાવવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. ખેડૂતોએ અંગ્રેજ સરકારને કરેલી અરજીનો જવાબ ન આવે ત્યાં સુધી વેરો ન ભરવાનો નિર્ણય કર્યો હતો.

Independence Day Special
ફાઇલ તસવીર

આ સમયગાળામાં દરેક ગામે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે મહાત્મા ગાંધી ચંપારણમાં હતા. 25મી નવેમ્બરે ગુજરાત સભાના સભ્ય ગોકુળ પટેલ અને વિઠ્ઠલ પટેલને ગાંધીજીએ ખેડૂતો માટે રજૂઆત કરવા જણાવ્યું હતું. 12મી ડિસેમ્બર 1917ના દિવસે ગુજરાત સભાના બંને સભ્યો નડિયાદ આવ્યાં અને પહેલાં તેમણે કપડવંજ અને ઠાસરા તાલુકાના 20 ગામની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિ જાણી હતી. આ સાથે તેમણે ખેડૂતો પાસેથી અંગ્રેજ સરકારને અત્યાર સુધી કરેલી અરજીઓ પણ જાણી લીધી હતી. ત્યારબાદ ગુજરાત સભાના સભ્યોએ કલેક્ટરને પત્ર લખી મહેસૂલ ઉઘરાવવાનું મુલતવી રાખવા અપીલ કરી હતી. જેનો કલેક્ટરે જવાબ આપ્યો કે, ‘અંગ્રેજ સરકાર નિયમ પ્રમાણે આ મામલે જે પણ કંઈ હશે તે પગલાં ભરશે.’

તે જમાનામાં પાક ચાર આની કે તેથી ઓછો ઉતરે તો જમીન મહેસૂલ માફ કરવાનો નિયમ હતો. પરંતુ સરકારી નોકરોએ આળસને કારણે પહેલાંના કાગળોની જાળવણી ના કરી અને હવે વખત આવ્યે નવા કાગળો તૈયાર કરી કલેક્ટર સહિત વાઇસરોયને બતાવ્યા હતા. જેમાં વધારે આનીના પાકની આંકણી કરવામાં આવી હતી. તે સમયે નેતા સહિત સ્થાનિક આગેવાનોએ સરકારને સાબિતી આપી કે પાક ચાર આનીથી ઓછો છે. સરકારને પંચ નીમવાની સલાહ આપી છતાં સરકાર માની નહીં! અંતે લોકોએ ‘સત્યાગ્રહ’નું શસ્ત્ર ઉપાડ્યું.

Independence Day Special
ફાઇલ તસવીર

કઠલાલ હોમ રૂલ લીગનું એક ડેલિગેશન ગામે-ગામ સ્થિતિનો અહેવાલ મેળવવા પહોંચ્યું. ત્યારે એક ખેડૂત કહે છે કે, ‘અંગ્રેજ અધિકારીઓ ગામમાં કાળો કેર વર્તાવી રહ્યા છે. બે દિવસથી લોકો ખાવાનું પણ પામ્યાં નથી. તલાટી મહિલાઓની હાજરીમાં ગાળોનો વરસાદ કરે છે. તેમાંય મા-બેનની ગાળો સિવાય તો વાત જ નથી કરતા! અંગ્રેજ અધિકારીઓ કહે છે કે, તમે ઘર વેચો, ઘરેણાં વેચો, બૈરી-છોકરાં વેચો પણ જમીન મહેસૂલ તો ભરવું જ પડશે.’ આ ઘટનાની જાણ થતાં જ સમાજસેવક ઠક્કરબાપા તાત્કાલિક કઠલાલ અને અન્ય ગામોમાં જાતતપાસ કરવા લાગ્યા.

દિવસે ને દિવસે ખેડૂતોમાં અંગ્રેજ સરકાર તરફનો રોષ વધતો હતો. એવામાં 8મી જાન્યુઆરીએ કઠલાલ મામલતદારે મહેસૂલ ઉઘરાવવાનો પરિપત્ર બહાર પાડ્યો. આ દરમિયાન ગુજરાત સભાના સભ્ય ગોકુલદાસ પારેખ અને વલ્લભભાઈ પટેલ રિપોર્ટ લઈને બોમ્બે સરકાર પાસે ગયા અને મહેસૂલ ઉઘરાવવાનું મુલતવી રાખવા ભલામણ કરી હતી.

Independence Day Special
ફાઇલ તસવીર

થોડા દિવસ પછી ગાંધીજી અમદાવાદ આવ્યાં હતા. તેમણે અત્યાર સુધીની તમામ ઘટનાઓ વિશે માહિતી મેળવી લીધી હતી. તેમણે ગુજરાત સભામાં ખેડૂતો તરફથી અંગ્રેજ સરકાર સાથે વાત કરી શકે તેવા એક વ્યક્તિની માગ કરી. ત્યારે ગુજરાત સભાએ વલ્લભભાઈ પટેલને આમંત્રણ આપ્યું હતું. આ વખતે પહેલીવાર ગાંધીજી વલ્લભભાઈ પટેલને મળ્યા હતા. ત્યારે સતત 8 દિવસ સુધી ગુજરાત સભામાં આ કેસ વલ્લભભાઈ પટેલને સોંપવાની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અંતે માત્ર એક વ્યક્તિએ વલ્લભભાઈને મત ના આપ્યો, બાકીના તમામ લોકોએ વલ્લભભાઈને કેસ સોંપવા માટે હા પાડી હતી. આમ, બહુમતીને આધારે વલ્લભભાઈ પટેલ પહેલી વખત આંદોલનમાં જોડાયા હતા.

ત્યારે ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કરવા એક શરત રાખી હતી કે, જ્યાં સુધી બધું જ પૂરું ન થઈ જાય ત્યાં સુધી ગુજરાત સભાનો એક સદસ્ય તેમની સહાયતા માટે હંમેશા સાથે રહેવો જોઈએ. તે સમયે વલ્લભભાઈ પટેલ ગાંધીજીની મદદ કરવા તૈયાર થઈ ગયા હતા. ત્યારે ગુજરાત સભામાંથી બે ખરડા પાસ કરવામાં આવ્યાં – 1. સભા તરફથી મહેસૂલ ઉઘરાવવા મામલે કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી અંગ્રેજ સરકારે મહેસૂલ ઉઘરાવવાનું મુલતવી રાખવું પડશે. 2. જ્યાં સુધી અંગ્રેજ સરકારનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ખેડા જિલ્લાનો એકપણ ખેડૂત જમીન મહેસૂલ ભરશે નહીં.

8મી જાન્યુઆરીએ ખેડા જિલ્લાના બધા મામલદારોએ કપડવંજના મામલતદાર જેવું જ સર્ક્યુલર બહાર પાડ્યું. જેમાં લખ્યું હતું કે, ‘પટેલ સરપંચ જમીન મહેસૂલ ન ઉઘરાવવાનું કારણ બન્યાં છે. જે લોકો જમીન મહેસૂલ ભરી શક્યા નથી, તેમની જમીન પચાવી લેવામાં આવશે અને તેની હરાજી કરવામાં આવશે. જે લોકોએ મોડા પડ્યાં છે તેમની જમીનો નિયમ પ્રમાણે જપ્ત કરવામાં આવશે.’

10મી જાન્યુઆરીએ ગુજરાત સભાના સેક્રેટરીએ કમિશનરને આ મામલે પત્ર લખી મુલાકાત માટે જણાવ્યું. ત્યારે કમિશનરે જવાબ આપતા લખ્યું કે, ‘તે માત્ર મંત્રીઓને જ મળશે.’. આવા સમયે ગુજરાત સભાના સેક્રેટરી કૃષ્ણલાલ દેસાઈ અને માવળંકરને કમિશનરને મળવા માટે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ કમિશનર-મંત્રીઓ વચ્ચે મુલાકાત તો થઈ પરંતુ તે નિષ્ફળ સાબિત થઈ. અંતે સમગ્ર મામલે ગાંધીજીને જાણ કરવામાં આવી.

5મી ફેબ્રુઆરીએ ગાંધીજી, દિનશા વાચા, ગોકુલદાસ પારેખ, વિઠ્ઠલભાઈ પટેલ સહિતના લોકો ગવર્નરને મળ્યાં. તેમની સાથે રેવન્યૂ મેમ્બર મિસ્ટર ચાર્મિકલ અને કમિશનર મિસ્ટર પ્રટ્ટ પણ હતા. તેમની મુલાકાત બાદ ગવર્નરે બે-ત્રણ દિવસમાં આ મામલે જવાબ આપવા જણાવ્યું. બે દિવસ પછી ગવર્નરે ગાંધીજીને પત્ર લખ્યો. જેમાં જણાવવામાં આવ્યું કે, તેમને અંગ્રેજ ઓફિસરની માગ બિલકુલ ગેરવાજબી લાગતી નથી. તમે ખેડૂતોને ઉશ્કેરશો નહીં. નહીંતર તેનું પરિણામ ભોગવવું પડશે.

અંતે 16મી ફેબ્રુઆરીએ ગાંધીજી 20 લોકો સાથે નડિયાદ આવ્યાં. ત્યારે ગાંધીજીએ કપડાંનો ત્યાગ કરી નાંખ્યો હતો અને અહીં તેઓ પહેલીવાર પાઘડી વગર દેખાયા. નડિયાદના અનાથાશ્રમમાં તેમણે પડાવ નાંખ્યો અને ત્યાંથી સમગ્ર આંદોલનનું સંચાલન કર્યું હતું.

ગાંધીજીએ સૌથી પહેલું કામ એ કર્યું કે, ગામે-ગામ ટુકડીઓ મોકલી પરિસ્થિતિનો સર્વે કરાવ્યો. ગાંધીજીએ પોતે 30 ગામડાંમાં જઈ ત્યાંની પરિસ્થિતિ વિશે જાણ્યું. આખરે એક અઠવાડિયા પછી ખેડા જિલ્લાના 600 જેટલા ગામડાંમાંથી 425 જેટલા ગામડાંનો રિપોર્ટ તૈયાર થયો. ગાંધીજીએ રિપોર્ટની માહિતી સાથે 26મી ફેબ્રુઆરીએ કલેક્ટરને પરિસ્થિતિની વાસ્તવિકતા જણાવતો પત્ર લખ્યો કે, ‘મેં અને મારી સાથે આવેલા તમામ ભાઈઓએ જાતે કરેલી તપાસ બાદ ખાત્રી થઈ ગઈ છે કે, ગામોમાં પાક 4 આની અથવા તો તેનાથી ઓછો ઉતર્યો છે તો ગામોમાં મહેસૂલ ઉઘરાવવાનું મુલતવી રાખવાના હુકમ કરશો. જો તમને વિશ્વાસ ન હોય તો તમારા માણસો અને પંચ મારફતે તપાસ કરાવી શકો છો, હજુ સમય વીતી ગયો નથી.’

ગાંધીજીએ જોયું હતું કે, ભારે વરસાદને કારણે પાક સદંતર ધોવાઈ ગયો હતો. તો વળી ક્યાંક પાક ઊભો હતો તેને ઉંદરડા ખાઈ ગયા હતા, તો એમાંય વધેલા પાકમાં રોગ લાગુ પડ્યો હતો. આમ, પાક સાવ નિષ્ફળ ગયો હતો. પરંતુ સરકારી નોકરો ગમે તે ભોગે સત્ય સ્વીકારવા તૈયાર જ નહોતા કે તેની વિશે ચર્ચા કરવા પણ તૈયાર નહોતા. ગાંધીજીએ અનેકવાર કમિશનર, ગવર્નર અને કલેક્ટરને પત્ર લખી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ તે દરેક પ્રયત્ન નિષ્ફળ ગયા. ગાંધીજીએ બનતા પ્રયત્નો કરી લીધા હતા. સરકારે શાંતિથી મામલો પતાવવાના તમામ દરવાજા બંધ કરી દીધા હતા. આ સાથે જ ભારતનું પહેલું જમીન મહેસૂલ ન ભરવાનું આંદોલન ચાલુ થયું.

આખરે ‘સત્યાગ્રહ’નું એલાન કર્યું
અંતે ગાંધીજીએ નડિયાદના મોગલકોટ વિસ્તારમાં આવેલી દશા શ્રીમાળીની વાડીમાં 22મી માર્ચે જાહેર સભાને સંબોધન કરતા ‘સત્યાગ્રહ’નું એલાન કર્યું. તે દિવસે 200 લોકોએ સત્યાગ્રહના પ્રતિજ્ઞા પત્ર પર સહી કરી હતી અને જોડાયા હતા. ત્યારબાદ દિવસે ને દિવસે વધુમાં વધુ લોકો સત્યાગ્રહના પ્રતિજ્ઞા પત્ર પર સહી કરી જોડાઈ રહ્યા હતા. 28 માર્ચે 400, 1લી એપ્રિલે 1100 અને 4થી એપ્રિલે વધુ 1500 જેટલા ખેડૂતોએ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરી અને સત્યાગ્રહમાં જોડાયા હતા.

વલ્લભભાઈએ સત્યાગ્રહની બાગદોર સંભાળી
અચાનક ગાંધીજીને ઇન્દોર જવાનું થયું ત્યારે સત્યાગ્રહની કમાન વલ્લભભાઈ પટેલના હાથમાં સોંપવામાં આવી. 30મી માર્ચે નડિયાદમાં ખેડૂતોની મિટિંગ બોલાવવામાં આવી, જેમાં વલ્લભભાઈએ આગ ઝરતું ભાષણ આપી ખેડૂતોની હિંમત વધારી હતી. તેટલું જ નહીં, આ પછી વલ્લભભાઈ ગામે-ગામ જઈ ખેડૂતોને સમજાવતા. તેમને પ્રતિજ્ઞા અંગે અડગ રહેવા કહેતા હતા અને તેમની હિંમત વધારતા. વલ્લભાઈમાં લીડર તરીકેના બધા જ ગુણો તો હતા જ પણ આ વખતે તેઓ એક સૈનિક તરીકે કામ કરી રહ્યા હતા.

મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નું માનદ બિરુદ મળ્યું
લોકો સરકારની વારંવારની ધમકીઓને કારણે ડરી ગયા હતા. તેમને પ્રોત્સાહન આપવા માટે ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને એક અયોગ્ય રીતે જપ્ત થયેલા ખેતરમાંથી ડુંગળીનો પાક ઉતારવા જણાવ્યું હતું. ત્યારે મોહનલાલ પંડ્યા મધરાતે માણસો સાથે જઈને ડુંગળીનો પાક ચોરી લાવ્યાં હતા. સરકારને આ વાતની જાણ થતા જ તેમના સહિત સાથીઓની ધરપકડ કરવામાં આવી. કોર્ટમાં કેસ ચાલ્યો. તેમને જેલનો હુકમ ફરમાવવામાં આવ્યો. લોકોએ આ ઘટનાને વધાવી લીધી. લોકોમાં આ ઘટના બાદ આક્રોશ અને ઉત્સાહ બંને વધ્યા. લોકોએ જેલીઓને વળાવવા માટે સરઘસ કાઢ્યું અને તે દિવસથી મોહનલાલ પંડ્યાને લોકોએ ‘ડુંગળીચોર’નો માનદ ઇલકાબ આપી સરાહના કરી હતી. આજે પણ તેમને લોકો આ નામથી ઓળખે છે.

આગેવાનોએ ગામે-ગામ જઈ ખેડૂતોને સમજાવ્યાં
આ દરમિયાન અનેક વાટાઘાટો થઈ અને બધી જ નિષ્ફળ નીવડી. સત્યાગ્રહ બરાબર જામ્યો હતો અને લોકોમાં જુસ્સો વધી રહ્યો હતો. આ ગુજરાતનું પહેલુંવહેલું ખેડૂતોનું આંદોલન હતું તેથી સૌની નજર હતી. લોકોમાં ઉત્સાહ પણ હતો. તેવા સમયે વલ્લભભાઈ, ગોકુળદાસ પરીખ, વિઠ્ઠલભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, ઠક્કરબાપા સહિતના આગેવાનોએ ગામેગામ જઈ લોકોને જમીન મહેસૂલ ન ભરવા સમજાવ્યાં. તેમની હિંમત વધારી. તેટલું જ નહીં, આ સત્યાગ્રહમાં હવે કસ્તુરબા પણ જોડાયા હતા. તેઓ પણ ગામે-ગામ જઈ મહિલાઓને તેમના પતિને સાથ આપવા માટે સમજાવતા હતા. આમ, સમગ્ર ચરોતર પંથકના ખેડૂતોનું એકીકરણ કરવામાં આવ્યું. સૌને એકજૂથ કર્યા અને સત્યાગ્રહ તેની ચરમસીમાએ પહોંચી ગયો.

અંગ્રેજ સરકારે કડક પગલાં લેવાની શરૂઆત કરી
તો બીજી તરફ, અંગ્રેજ સરકાર આ બધું જોઈને ધૂંઆપૂંઆ થઈ ગઈ. તેમણે એકપછી એક કડકમાં કડક પગલાં લેવાની શરૂઆત કરી. ખેડૂતોની જમીન જપ્ત કરવામાં આવી. જાહેરમાં તેની પાણીના ભાવે હરાજી કરવામાં આવી. ખેડૂતોના ઢોર-ઢાંખર લઈ ગયા અને તેની પણ હરાજી કરી. ખેડૂતો પર કાળો કેર વરસાવવાનું શરૂ કરી દીધું હતું. આમ, અંગ્રેજ સરકાર પણ પાછી પાની કરવા તૈયાર નહોતી. તેવામાં 3જી જૂનના દિવસે, નડિયાદના મામલતદારે ગાંધીજીને પત્ર લખી પહેલી માગણી સ્વીકારી, પરંતુ તેમાં એવી માગ કરવામાં આવી હતી કે, ‘પૈસેટકે સુખી ખેડૂતોએ ગરીબ ખેડૂતોનું જમીન મહેસૂલ ભરવું પડશે.’ ગાંધીજીએ તે જ દિવસે પત્ર લખી મામલતદારની માગ ફગાવી દીધી હતી અને લખ્યું કે, ‘પૈસેટકે સુખી ખેડૂતો માત્ર તેમનું જ જમીન મહેસૂલ ભરશે. ગરીબો પાસે તો કંઈ છે જ નહીં. તેથી તેઓ મહેસૂલ બિલકુલ ભરી શકે તેમ નથી.’

આખરે અંગ્રેજ સરકારે નમતું મૂકવું જ પડ્યું
અંતે 6ઠ્ઠી જૂનના દિવસે મામલતદારે પત્રનો વળતો જવાબ આપ્યો અને ગાંધીજીની માગ સ્વીકારી કે, ‘અમીર ખેડૂતો જો તેમનું મહેસૂલ ભરશે તો ગરીબ ખેડૂતોનું મહેસૂલ માફ કરવામાં આવશે.’ પરંતુ હવે પ્રશ્ન એ હતો કે મામલતદાર તો માત્ર તાલુકાનો જ ઓર્ડર કરી શકે. ત્યારે ગાંધીજીએ ખેડા ક્લેક્ટરને નડિયાદના મામલતદારે કરેલા ઓર્ડર પ્રમાણે સમગ્ર જિલ્લામાં હુકમ આપવાની રજૂઆત કરી. ખેડા જિલ્લા કલેક્ટરે નડિયાદ મામલતદારે કરેલા હુકમનો સ્વીકાર કરી સમગ્ર જિલ્લામાં તે મુજબનો પરિપત્ર જાહેર કરવાનો હુકમ આપ્યો અને આ સાથે જ ખેડૂતોની શાનદાર જીત થઈ. આ ઉપરાંત ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની સહીવાળા ફેમ્ફલેટ વહેંચવામાં આવ્યાં, જેમાં ‘સત્યાગ્રહ’ પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી. આમ, અંગ્રેજ સરકારની ખોટી નીતિ સામે ગાંધીજીના સત્યાગ્રહની જીદને કારણે ખેડૂતો ભોગ બનતા બચી ગયા હતા. 29મી જૂને નડિયાદમાં આ સત્યાગ્રહના વિજયનો રંગેચંગે જશ્ન મનાવવામાં આવ્યો હતો.

… તેમાંથી આપણને વલ્લભભાઈ ‘નેતા’ તરીકે મળ્યાં
આ સત્યાગ્રહથી ભારતને સ્વાતંત્ર્ય સેનાની તરીકે વલ્લભભાઈ પટેલ મળ્યાં. તેમણે ગાંધીજી સાથે રહીને તેમની કામ કરવાની રીત જાણી લીધી હતી. તેઓ ગાંધીજીનું ઓબ્ઝર્વેશન કરતા હતા. તેમની પાસેથી સતત કંઈકને કંઈક નવું શીખતા હતા. તેઓ ગાંધીજી પાસેથી લોકોને માનસિક રીતે કેવી રીતે મજબૂત કરવા, તેમને કેવી રીતે મદદ કરી શકાય, સત્યાગ્રહને કેવી રીતે મજબૂત અને અસરકારક બનાવી શકાય તે પણ શીખ્યા હતા. આ પછી ગાંધીજીએ તમામ જવાબદારી વલ્લભભાઈને સોંપી અને ગુજરાત મામલે એકદમ નિશ્ચિંત થઈ ગયા હતા. તેટલું જ નહીં, આ ચળવળને કારણે વિદૂષી ડો. એની બેસન્ટની ‘હોમરૂલ’ની પ્રતિભાશાળી ચળવળે તેનો સ્પર્શ કર્યો હતો. પરંતુ સ્વયંસેવકોનો ખરો પ્રવેશ આ લડતથી જ થયો હતો.

Read more

Local News