Bhavnath Mahadev: શ્રાવણ મહિનાના ત્રીજા દિવસે આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢમાં આવેલા ગરવા ગિરનારની તળેટીમાં. અહીં બિરાજમાન છે દેવાધિદેવ મહાદેવ ભવનાથ સ્વરૂપે. આવો જાણીએ તમામ માહિતી…
ગુજરાતના જૂનાગઢની ભવનાથની તળેટીમાં મુખ્ય આરાધ્ય સ્થાન એટલે ‘ભવનાથ મહાદેવનું મંદિર’. સાક્ષાત્ શિવજી અહીં અનાદિકાળથી વસ્યાં છે. આ સ્થાનક સાથે અનેક દંતકથાઓ સંકળાયેલી છે.
બિલિપત્રના ઝાડની વચ્ચે શિવલિંગ હતું
‘સ્કંદપુરાણ’માં જણાવ્યા અનુસાર, માતા પાર્વતી મહાદેવને ભવનાથનો ઇતિહાસ પૂછે છે ત્યારે મહાદેવ તેમને કહે છે કે, સૌરાષ્ટ્ર દેશમાં વસ્ત્રાપથ નામની જગ્યા છે. જ્યાં બિલિપત્રના ઝાડની મધ્યમાં મારું શિવલિંગ છે. ત્યાં શિવરાત્રિના દિવસે અજાણતા જ એક પારધી આવે છે અને પૂજા કરે છે. આખી રાત જાગરણ કરીને પૂજા-અર્ચના કરે છે. તેની ભક્તિથી પ્રસન્ન થઈને એક દિવ્ય વિમાન તેને સ્વર્ગ તરફ લઈ જાય છે.
આ દરમિયાન યમના કિંકર અને દેવો વચ્ચે યુદ્ધ થાય છે. ત્યારે ઇન્દ્ર દેવ આ પારધીને જોવે છે અને પૂછે છે કે, ‘તને આ લ્હાવો કેવી રીતે મળ્યો?’ ત્યારે પારધી સમગ્ર ઘટના તેને કહી સંભળાવે છે. આ સાંભળીને ઇન્દ્ર દેવ પારધીને કહે છે કે, ‘તું મારી સાથે આવ, મારે પણ આ લિંગની પૂજા કરવી છે. પરસ્ત્રીગમનના પાપ અને વૃત્રને માર્યાનું પાપ દૂર કરવું છે.’ ત્યારે મહા વદ ચૌદશને દિવસે પારધી અને ઇન્દ્રદેવ આ લિંગની પૂજા કરે છે.
ત્યારથી જ આ લિંગ ‘ભવેશ્વર’ તરીકે સ્થાપિત થાય છે. હાલમાં અપભ્રંશ થઈને મહાદેવ ‘ભવનાથ’ તરીકે ઓળખાય છે. ભવનાથ શબ્દનો અર્થ થાય છે ‘ભવનો નાશ કરનારો’. ભવનાથ મહાદેવના પ્રાંગણમાં પગ મૂકતાંની સાથે જ વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. તેને પ્રેતત્વ મળતું નથી તેવી માન્યતા છે.
ભવનાથ મહાદેવના શિવાલયના ગર્ભગૃહમાં બે શિવલિંગ આવેલા છે. એવી માન્યતા છે કે, મોટું શિવલિંગ સ્વયંભૂ છે. જ્યારે અન્ય શિવલિંગ ચિરંજીવી અશ્વત્થામાએ સ્થાપ્યું છે. આજે પણ અહીં અશ્વત્થામા કોઈપણ રૂપે આવીને પૂજા કરતા હોવાની માન્યતા છે.
ભવનાથ મહાદેવ અને મૃગીકુંડની ધાર્મિક મહત્વતા
1. મહાશિવરાત્રિના દિવસે ભવનાથ મહાદેવના દર્શન કરવાથી સાત જન્મોનું પાપ ધોવાઈ જાય છે.
2. વૈશાષ સુદ પૂનમને દિવસે ભવનાથ મહાદેવના દર્શન કરવાથી વ્યક્તિને એક દિવસ બ્રહ્મલોકમાં રહેવાનું સુખ મળે છે.
3. ભવનાથ મહાદેવના દર્શન કરવાથી આત્મા શુદ્ધ અને પવિત્ર થાય છે.
કેવી રીતે ‘મૃગીકુંડ’ બન્યો?
અન્ય એક દંતકથા પ્રમાણે શિવજી પાર્વતીજીને જણાવે છે કે, કાન્યકુબ્જ દેશમાં ચંદ્રવંશી રાજા ભોજ હતા. એક દિવસ તેની સેનામાંથી એક સૈનિક આવે છે અને જણાવે છે કે, મૃગના ટોળામાં મૃગના મુખવાળી એક કન્યા છે. આ સાંભળીને રાજા ભોજ આશ્ચર્ય પામે છે અને કહે છે કે મારે પણ આ મૃગમુખી કન્યા જોવી છે. રાજા ભોજ મૃગમુખી કન્યાની શોધમાં નીકળે છે. રાત-દિવસની મહેનત બાદ એક દિવસ નારીમૃગ દેખાઈ જાય છે. સૈનિકો તેને પકડી લે છે અને રાજધાનીમાં લઈ જાય છે. રાજા ભોજ તેની ઓળખ પૂછે છે. પરંતુ તે કોઈ જવાબ આપતી નથી. ત્યારે રાજા ભોજ આઘાતગ્રસ્ત થઈ અન્નત્યાગ કરે છે.
મૃગીકુંડમાં ન્હાવાથી મળે છે મોક્ષ
ત્યારબાદ બ્રાહ્મણોને બોલાવવામાં આવે છે. આખરે મંત્રોચ્ચારની શક્તિથી મૃગલીને વાચા આવે છે અને તે મનુષ્યવાણી બોલવા લાગે છે. આમ રાજા ભોજ મૃગમુખવાળી નારીને પૂર્વજન્મની કથા કહેવડાવે છે. મૃગનારી કહે છે કે, અનેક જન્મો બાદ પણ તેને મુક્તિ નથી મળી. ત્યારે એક ઋષિ કહે છે, સૌરાષ્ટ્રમાં જા ત્યાં રૈવતાચળ પર્વત છે ત્યાં તારા પાપો ધોવાશે અને આખરે હું અહીં આવી છું. રાજા ભોજ તેની કથા સાંભળી એક કુંડ બનાવે છે અને તેના પાણીથી મૃગનારીને મુક્તિ મળે છે. આ કુંડ એટલે મૃગીકુંડ. એક સમયે આ કુંડમાં પથ્થરો તરતા હતા તેવી પણ એક લોકવાયકા છે. એવી એક માન્યતા છે કે, રાજા ભતૃહરિ અને અશ્વત્થામા જેવા ચિરંજીવી આજે પણ અહીં આવીને ભવનાથ મહાદેવના દર્શન કરવા આવે છે.
કેવી રીતે પહોંચી શકાય?
ગુજરાતના દરેક શહેર સાથે જૂનાગઢ સડક માર્ગે જોડાયેલું છે. ત્યાં પહોંચવા માટે સહેલાઇથી સરકારી બસ સેવા કે ખાનગી બસ સેવાનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત રેલ માર્ગે પણ સરળતાથી જૂનાગઢ પહોંચી શકાય છે. ત્યાં પહોંચ્યા બાદ રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી જવા માટે વાહન મળી રહે છે. રિક્ષા કે સરકારી બસ દ્વારા તળેટીમાં પહોંચી શકાય છે.