Monday, December 23, 2024

ટ્રક સાથે અથડાતા સિંહણનું મોત, વનવિભાગના અધિકારીઓએ ઇનફાઇટ બતાવી ખોટી પ્રેસનોટ જાહેર કરી

Share

જૂનાગઢઃ એક તરફ સરકાર એશિયાઈ સિંહોની જાળવણી માટે અને તેને બચાવવા માટે વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. ગીર વિસ્તારમાં હાલ સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે સિંહો હવે જંગલની આજબાજુના વિસ્તારમાં જોવા મળવા સામાન્ય બાબત છે. ઉના અને ગીર ગઢડા તાલુકાના ગામોમાં સિંહોનું આવી જવું હવે સામાન્ય બાબત છે. છાશવારે સિંહો દ્વારા રાત્રિ દરમિયાન ગામડાઓમાં પ્રવેશી પશુઓનું મારણ કરવાના બનાવો પણ બનતા હોય છે. તેમજ દિવસ દરમિયાન પણ ક્યારેય સિંહો ખેતરોમાં જોવા મળી જતા હોય છે.

ઉના-ગીર ગઢડા રોડ ઉપર વડવિયાળાની આજુ બાજુમાં અવારનવાર સિંહો જોવા મળતા હોય છે. વડવિયાળા ગામે ટેલિફોન એક્સચેન્જની સામે તા.૩-૫-૨૦૨૪ની રાતે આશરે 1.00 વાગ્યા આસપાસ રોડ ઉપર માદા સિંહ બાળનો કોઈ વાહન સાથે અથડામણમાં મોત નિપજ્યુ હતું. જેની જાણ જંગલ વિભાગને થતા આ બનાવને જંગલ વિભાગે ઈનફાઇટનું કારણ આપીને અકસ્માતની ઘટનામાં ખપાવવાનો અને સાચી હકીકત છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ થતાં અને વડવિયાળા ગામના લોકોના મુખેથી વાત પત્રકાર સુધી પહોંચતા સાચા બનાવની વિગત લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં જસાધાર રેન્જના આરએફઓ ભરવાડે તેમજ ફોરેસ્ટ ગાર્ડ હિતેષ બારોટે આ બાબતને ના બતાવવા તેમજ સિંહણનું ઈનફાઇટમાં મોત નિપજ્યું હોવાનું કહ્યું હતું. આમ આ બનાવને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ આ બનાવને ઈનફાઇટમાં ખપાવવાની કોશિશ શા માટે કરી હતી તેની વિગત મેળવવા અનેક વાર ફોન કરવા છતાં પ્રેસ નોટ કે અન્ય વિગત આપી નહોતી.

આ અંગે વન વિભાગના અધિકારીઓ પાસે માહિતી મેળવવા ફોન કર્યો ત્યારે સાચી માહિતી આપવાને બદલે અન્ય વાતોમાં ગુમરાહ કર્યા હતા. તેમજ સાચી માહિતી છુપાવવા કહેલું અને અવારનવાર ફોન કર્યા બાદ પણ જસાધાર ઓફિસ સુધી મુલાકાત લીધા બાદ ત્યાં આરએફઓ હાજર ન હતા તેમ જ ટેલિફોનિક વાત કરતા બહાર હોવાનું કહ્યુ હતુ અને 36 કલાક બાદ સાંજના સમયે ખોટી પ્રેસ નોટ જાહેર કરી હતી. જેમાં સાચી વિગત દર્શાવી ન હતી. તેમજ પ્રેસ નોટમાં આખલાનો ઉલ્લેખ કર્યો તે અંગે વડવિયાળા ગ્રામજનો સંપર્ક સાધતા આજુબાજુના સ્થળ નજીક રહેતા લોકોએ જણાવ્યું હતું કે ત્યાં આવો કોઈ આખલો ઘાયલ થયેલી હાલતમાં કોઈએ જોયો નથી. સ્થળ પર રોડની વચ્ચે સિંહનો વહી ગયેલું લોહી તેમ જ ભારે વાહને બ્રેક મારતા ટાયરના નિશાનો જોવા મળ્યા હતા અને સ્થાનિકોના કહ્યા પ્રમાણે આ સિંહનું ટ્રક સાથે અકસ્માત થયાનું જાણવા મળ્યું હતું.

વન વિભાગ દ્વારા પોતાનો લૂલો બચાવ કરવા કોઈપણ અધિકારીના સહી સિક્કા વગરની પ્રેસનો જાહેર કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, વડવિયાળા ગામ પાસે વહેલી સવારના સમયે આંખલાનું મારણ કરવા કોશિશ કરી તે સમયે મોત થયેલું છે. જે અંગેની જાણ વન વિભાગના અધિકારીને થતા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ કરતા એક આખલો જીવતો મળી આવ્યો હતો. તેના શરીર પર લાગેલા તાજા નિશાન, પંજાના નખો તથા સિંહના દાંતના નિશાનો શરીરના ભાગે જોવા મળ્યા હતા. બાજુના ભાગે સિંહણનો મૃતદેહ પડ્યો હતો. તેની તપાસ કરતા સિંહણના શરીરના ભાગે મૂંઢમારના નિશાન તેમ જ ગંભીર ઈજાના નિશાન જોવા મળતા સિંહ અને આખલા વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સિંહનું મોત નીપજતા સિંહણના મૃતદેહને પીએમ અર્થે જસાધાર ખસેડાયો હતો.

Read more

Local News