નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનું ઘોષણા પત્ર રવિવારે આંબેડકર જયંતિના દિવસે જાહેર કરશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં નવી દિલ્હી ખાતે ભાજપ હેડક્વાર્ટરમાં સવારે સાડા આઠ વાગ્યે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ પહેલાથી જ લોકસભા ચૂંટણી માટે પોતાનું ન્યાય પત્ર જાહેર કરી ચુક્યું છે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ઘોષણા પત્ર સમિતિ બનાવી હતી. આ સમિતિમાં અધ્યક્ષ સહિત કુલ 27 સભ્યો હતો. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજિજૂ અને અર્જૂન રામ મેઘવાળ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકાર પ્રસાદ સહિત કુલ 27 નેતાઓ આ સમિતિના સભ્ય છે. નાણામંત્રી આ સમિતિના સંયોજક હતા.
ઘોષણા પત્ર માટે ભાજપે સીધા જનતા પાસેથી સૂચનો માગ્યા હતા. જાણકારી મળી છે કે, ઘોષણા માટે 5 લાખથી વધારે સૂચનો મળ્યા હતા. જેમાંથી દોઢ લાખથી વધારે વીડિયો સૂચનો છે.
પાર્ટીના અધિકારીઓ પાસેથી મળેલી વિગતો અનુસાર, ભાજપના સંકલ્પ પત્રમાં વિકાસ, વિકસિત ભારત, મહિલા નૌયુવાન, ગરીબ અને ખેડૂતોના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે. સંકલ્પ પત્રની થીમ મોદી ગેરેન્ટી- વિકસિત ભારત 2047 રાખવામાં આવી છે.