Monday, December 23, 2024

મુમતાઝ પટેલે કહ્યું – ચૈતર વસાવાએ પ્રચાર માટે બોલાવી નથી, મારું પ્રાધાન્ય કોંગ્રેસના ઉમેદવાર

Share

નવસારીઃ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈના પ્રચાર માટે મુમતાઝ પટેલ સુરત પહોંચ્યા હતા. જ્યાં તેમને મીડિયા સાથે વાતચીત કરતા ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની ટિકિટ ન મળવાનું દુઃખ પણ વ્યક્ત કર્યુ હતું. આ ઉપરાંત તેમણે ચૈતર વસાવા બાબતે નિવેદન આપ્યું હતું કે, ગઠબંધન સમયે ચૈતર વસાવા મળવા આવ્યા હતા. ત્યારબાદ તેમને સમર્થન માગ્યું નથી અને હું અત્યારે માત્ર કોંગ્રેસ પાર્ટીના જ ઉમેદવારોનો પ્રચાર કરી રહી છું. હવે પ્રચારમાં માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે મારું શિડ્યુલ બની ચૂક્યું છે. હું ભરૂચમાં પ્રચાર નહીં કરી શકું.

નવસારીના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈના પ્રચાર માટે કોંગ્રેસ નેતા અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ સુરત પહોંચ્યા હતા. જ્યાં તેમને મીડિયા સાથેની વાતચીત દરમ્યાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. મુમતાઝ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, લોકોમાં આક્રોશ છે અને લોકો પરિવર્તન ઇચ્છી રહ્યા છે. તેનાથી એવું લાગી રહ્યું છે કે અમારી સીટો ગુજરાતમાંથી આવશે. કેટલી સીટ આવશે તે હું નહીં જણાવી શકું.

નારાજગી બાબતે મુમતાઝ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જો હું મારી પાર્ટીથી નારાજ હોત તો જ્યારથી ઇલેક્શન જાહેર થયું છે. ત્યારથી પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરતી નહીં હોત. ક્યારેય એવો સમય નથી આવ્યો કે મેં કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપ્યું હોય. હું એમ જ કહું છું કે પાર્ટી જે નિર્ણય કરે છે તેને અમે અનુસરીશું.

દુઃખ વ્યક્ત કરતાં મુમતાઝ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, ભરૂચ બેઠક પરથી કોંગ્રેસનો ઉમેદવાર લડવો જોઈતો હતો. આઝાદી પછી ભરૂચમાં પહેલી વખત એવું બનતું હશે કે, ભરૂચમાં કોંગ્રેસના ઉમેદવારને વોટ કરવાનો કોઈ વિકલ્પ નહીં હોય. ગઠબંધનના કારણે આ થઈ રહ્યું છે અને જે પ્રકારે ઇન્ડિયા ગઠબંધન આવ્યું છે. તેને અમે સ્વીકારશું અને પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય કરાય છે તેને પણ અમે સ્વીકારીશું.

ચૈતર વસાવા બાબતે મુમતાજ પટેલે જણાવ્યું કે, અત્યારે હું કોંગ્રેસના ઉમેદવારો જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં જ હું પ્રચાર કરી રહી છું. અલાઇન્સ ઉમેદવારો માટે હું હાલ પ્રચાર કરી રહી નથી. હવે પ્રચારમાં માત્ર બે દિવસ બાકી રહ્યા છે પરંતુ મારા શિડ્યુલ અનુસાર હું ભરૂચમાં પ્રચાર નહીં કરી શકું. ચૈતર વસાવાએ પણ મને હજુ સુધી બોલાવી નથી. મને જે જગ્યા પરથી ઉમેદવારોએ બોલાવી છે ત્યાં હું જઈ રહી છું. હું સૌથી પહેલા મારી પાર્ટીના ઉમેદવારોને પ્રાધાન્ય આપી રહી છું. ગઠબંધનની જ્યારે વાત થતી હતી, ત્યારે ચૈતર વસાવા મને મળવા આવ્યા હતા. ચૈતરવસાવા દ્વારા પણ મને હજુ સુધી પ્રચારમાં બોલાવવામાં આવી નથી અને મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી સારું કામ કરી રહી છે એટલે કદાચ એમને જરૂર નહીં હોય. ભરૂચમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને કોંગ્રેસ પણ સપોર્ટ કરી રહી છે પરંતુ હું અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો જ પ્રચાર કરી રહી છું.

Read more

Local News