Sunday, August 31, 2025

તંત્રના વાંકે પાલનપુરવાસીઓને ડામ! રોડ ખોદી નાંખતા વાહનચાલકો-રાહદારીઓ મુશ્કેલીમાં

Share

પાલનપુરઃ શહેરમાં વહીવટી તંત્રની બેદરકારીને કારણે હજારો વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ, રાહદારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. આ ઉપરાંત ગમે ત્યારે અકસ્માતની ભીતિ છે. એરોમા સર્કલ પર ટ્રાફિકના નિયંત્રણ માટે એક્શન પ્લાન હતો, પરંતુ તેનું અમલીકરણ ન થતા આજે છેલ્લા એક માસથી વાહનચાલકો અકસ્માતના ભયના ઓથાર હેઠળ પાલનપુરના માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આ સમસ્યાનું નક્કર કોઈ સમાધાન નથી આવ્યું.

પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાની બુમરાણને લઈને માર્ગ અને મકાન વિભાગ એરોમાં સર્કલ આસપાસના રસ્તા પહોળા કરી અને ટ્રાફિક સમસ્યા હલ થાય તેવો એક્શન પ્લાન બનાવીએ અને તેના પર અમલ કરવાનું નક્કી કર્યું હતું. પાલનપુરના એરોમા સર્કલની માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાલનપુર શહેરમાંથી એરોમા સર્કલ તરફ જવાના રસ્તા અને ફૂટપાથને ખોદી નાંખવામા આવ્યો છે. લગભગ દોઢ માસ અગાઉ પાલનપુરથી એરોમા સર્કલ તરફ જવાનો માર્ગ ખોદી નાંખ્યો હતો. ત્યારબાદ આજ દિન સુધી નથી તેનું કામ હાથ ધરાયું કે નથી આ રોડ પહોળો કર્યો કે નથી બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ.

તેને કારણે હજારો વાહનચાલકો ત્યાંથી અકસ્માતના ભયના વધારે હેઠળ પસાર થઈ રહ્યા છે. ત્યારે રાહદારીઓ તો ચાલી શકતા જ નથી. વાહનચાલકોને પણ મુશ્કેલીઓ છે. તંત્રની બેદરકારીને કારણે હાલ આ સમસ્યા ઊભી થઈ છે. કારણ કે એરોમા સર્કલની ચારેબાજુ જ સર્કલ પહોળું કરવાનું હતું. ત્યાં આ કામ કરવાની જરૂર હતી. પરંતુ તેના બદલે શહેરમાંથી પસાર થતાં માર્ગ અને ફૂટપાથને ખોદી નાંખ્યો છે. ત્યારે હવે માર્ગ અને મકાન વિભાગ પાસે આ સમસ્યાનો કોઈ હલ નથી અથવા તો અત્યારે કોઈ જવાબ નથી અને જેને કારણે હજારો લોકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે નાગરિકોની માગણી છે કે, જે રસ્તો છે તે જલ્દીથી બનાવવામાં આવે અને લોકો ઉપયોગી થાય તેવું કરવું જોઈએ.

બેજવાબદારીને કારણે અત્યારે તો હજારો લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રાહદારીઓ પરેશાન છે. ત્યારે જ્યાં માર્ગ છે ત્યાં લારી ગલ્લા અને રેકડીધારકોએ અડિંગો જમાવી દીધો છે. જેને કારણે આ રોડ પર ચાલવાની જગ્યા ન રહેતા ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે, અકસ્માત થવાનો ભય છે. એટલે લોકો તંત્રનું આ મૂર્ખામી ભર્યું પગલું ગણાવી રહ્યા છે.

Editor
Editorhttps://gujaratlokshahinews.com
ગુજરાતી વેબસાઇટ કે જે વિશ્વસનિય સમાચાર સાથે તમને સતત અપડેટ રાખે છે ! ગુજરાત, ભારત અને વિશ્વભરના સમાચારો માટેના તમારા વિશ્વસનીય સ્ત્રોતમાં આપનું સ્વાગત છે. ગુજરાત લોકશાહી ન્યૂઝ વેબસાઇટ એ રાજ્ય, દેશ અને વિદેશના નવીનતમ અને મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતી ભાષામાં પહોંચાડવા માટે સમર્પિત છે.

Read more

Local News