સુરતઃ હિંદુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં વધુ એક આરોપીની બિહારના મુઝફરપુરથી ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ધરપકડ કરી છે. જે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે, આ કેસમાં હમણાં સુધી સાત લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રના નાંદેડથી વધુ એક શખ્સને અટકાયતમાં લઇ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત આવવા રવાના થઈ છે. ચાર હિંદુવાદી નેતાઓની હત્યા માટે સુરતના મૌલવી સહિત પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીર દ્વારા હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમાં સુરતના હિન્દુ નેતાની હત્યા કરવા માટે રેકી કરી તેની જાણકારી મૌલવીએ અન્ય આરોપીઓને આપી હતી.
હિંદુ નેતાઓની હત્યાના ષડયંત્રના આરોપસર ધરપકડ કરાયેલા કામરેજ કઠોરના મોલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલની પૂછપરછમાં એકબાદ એક આરોપીઓના નામ સામે આવી રહ્યા છે. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હમણાં સુધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બિહારના મુઝફરપુર ખાતેથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ધરપકડ કરવામાં આવેલા આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરને સુરત કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાએ આપેલી માહિતી મુજબ, 4 મેના રોજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કામરેજ કઠોરના રહેવાસી અને મોલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલની સુરતના ચોક બજારેથી ધરપકડ કરવામાં આવી હતી. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હિંદુવાદી નેતા ઉપદેશ રાણા સહિત અન્ય ત્રણ લોકોની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ઉપદેશ રાણા દ્વારા આપવામાં આવેલી ફરિયાદના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.
મૌલવીની ધરપકડ બાદ સુરત કોર્ટમાંથી અગિયાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ નામના શખ્સોના નામ સામે આવ્યા હતા. આતંકી કનેક્શન ધરાવતા આ બંને ઈસમોએ મૌલવીને રૂપિયા એક કરોડની ઓફર હિંદુવાદી નેતાઓની હત્યા માટે આપી હતી. મૌલવીની પૂછપરછમાં મળી આવેલી ચેટ અને મોબાઈલ નંબર ડેટાના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં નેપાળ બોર્ડર નજીક આવેલા મુઝફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસને સાથે રાખી સંયુક્ત ઓપરેશન પાર પડાયું હતું. ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીને સુરત લઈ આવવામાં આવ્યો હતો. જે આરોપીને આજરોજ સુરત કોર્ટમાં રજૂ કરી 12 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપી મોહમ્મદ અલીની પૂછપરછમાં મહારાષ્ટ્રના નાંદેડમાં રહેતા 19 વર્ષીય શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા નામના શખ્સનું નામ સામે આવ્યુ હતુ. જે શખ્સની પણ મહારાષ્ટ્રથી અટકાયત કરી પૂછપરછ માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત આવવા માટે રવાના થઈ ચૂકી છે.
હિંદુવાદી નેતાઓની હત્યા માટે આરોપીઓ દ્વારા રેકી પણ કરવામાં આવી હતી. જેની જાણકારી સુરતનો મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલ શહેનાઝ અને પાકિસ્તાનના ડોગરને આપતો હતો. મહત્વનું છે કે, શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરે મૌલવીનો સંપર્ક પાકિસ્તાનના ડોગર સાથે કરાવ્યો હતો. આરોપીઓ દ્વારા સુરતના હિન્દુ નેતા ઉપદેશ રાણાને વીડિયો કોન્ફરન્સ દ્વારા જાનથી મારી નાંખવા અંગેની ધમકીઓ આપવામાં આવતી હતી.
આ સમગ્ર કેસમાં હમણાં સુધી સાત જેટલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, ઉપદેશ રાણાની હત્યા કરવા માટે છેલ્લા બે વર્ષથી તેની રેકી પણ કરવામાં આવતી હતી. જે માટે મૌલવી સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો અને તેની સંપૂર્ણ જાણકારી અન્ય આરોપીઓને આપતો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જે તપાસમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા રહેલી છે.