Sunday, December 22, 2024

કાવી-કંબોઈમાં આવેલું છે સ્તંભેશ્વર મહાદેવનું અનોખું શિવાલય; દિવસમાં બેવાર મંદિર દરિયામાં ડૂબે છે!

Share

Stambheshwar Mahadev History: શ્રાવણ મહિનાના ત્રીજા દિવસે આપણે આવી પહોંચ્યા છીએ વડોદરાથી અંદાજે 85 કિલોમીટર દૂર કાવી-કંબોઈ ગામમાં. અહીં દરિયાકિનારે એક પ્રાચીન શિવાલય આવેલું છે. એવી માન્યતા છે કે, આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીએ કરી હતી. મધદરિયે આવેલું આ સ્તંભેશ્વર મહાદેવનું (Stambheshwar Mahadev) મંદિર દિવસમાં બેવાર સમુદ્રમગ્ન થઈ જાય છે. જંબુસરમાં આવેલા આ શિવમંદિરે મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટે છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ મંદિર અરબ સાગરની વચ્ચે કેમ્બે તટ ઉપર બનેલું છે.

શિવપુરાણમાં પણ મંદિરનો ઉલ્લેખ
મહાશિવપુરાણની રુદ્ર સંહિતામાં સ્તંભેશ્વર મહાદેવનો ઉલ્લેખ મળી આવે છે. આ મંદિરમાં લગભગ 4 ફૂટ ઊંચું અને 2 ફૂલ પહોળું શિવલિંગ સ્થાપિત છે. મંદિરની આસપાસ અરબ સાગરનું દૃશ્ય ખૂબ જ આહ્લાદક છે.

શું છે પૌરાણિક કથા?
દંતકથા પ્રમાણે, તારકાસુરે ઘોર તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભોળનાથ પાસે તેણે વરદાન માગ્યું કે, 6 દિવસના બાળક સિવાય તેને કોઈ મારી શકે નહીં. તારકાસુરની કનડગત વધતાં દેવો અને ઋષિઓને હેરાન-પરેશાન થઈ ગયા. આથી બધા દેવોએ ભગવાન શિવજીને કહ્યું કે મહાદેવ અમારી તારકાસુરથી રક્ષા કરો.

આ પણ વાંચોઃ ચંદ્રદેવે સૌરાષ્ટ્રના દરિયાકિનારે સ્થાપ્યું પ્રથમ જ્યોતિર્લિંગ, જાણો ‘સોમનાથ મહાદેવ’નો ઇતિહાસ

ત્યારે શિવજીએ દેવોને કહ્યું કે, મારો પુત્ર કાર્તિકેય તારકાસુરનો સંહાર કરશે. ત્યારબાદ બાળકાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ કરવામાં આવ્યો. જ્યારે કાર્તિકેય સ્વામીને ખબર પડી કે તારકાસુર ભગવાન શિવનો પરમભક્ત છે, તો તેમને ખૂબ દુઃખ થયું. જેના પ્રાયશ્ચિત માટે તેમણે આ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી જે સ્તંભેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. છ હજાર વર્ષ પહેલા વેદવ્યાસ દ્વારા લખેલા સ્કંદપુરાણમાં પણ સ્તંભેશ્વર તીર્થનો ઉલ્લેખ છે.

સ્થાપના બાદ યુગો સુધી આ તીર્થ ગુપ્ત હતું
આ તીર્થ ‘ગુપ્ત તીર્થ’ તરીકે પણ ઓળખાય છે. કારણ કે સ્થાપના બાદ યુગો સુધી આ તીર્થ ગુપ્ત હતું અને છેલ્લી કેટલીક સદીઓથી જ આ શિવલિંગ ભક્તોને દર્શન આપી રહ્યું છે. આ સ્થળે 7 નદીઓનું સંગમ સ્થાન છે. આ શિવલિંગની વિશેષતા એ છે કે, દિવસમાં બે વખત ખુદ સમુદ્ર દેવતા ભગવાનનો અભિષેક કરવા આવે છે. 24 કલાકમાં બે વખત આ શિવલિંગ તથા મંદિર દરિયામાં સમાઈ જાય છે. દરિયાલાલ જ્યારે ભગવાનને અભિષેક કરવા સુસવાટાભેર આગળ ધપે છે, ત્યારે વાતાવરણ અલૌકિક બની જાય છે અને શ્રદ્ધાળુઓ શિવમય બની જાય છે.

આ પણ વાંચોઃ દારુકા રાક્ષસીનો વધ કરી દારૂકાવનમાં સ્વયંભૂ પ્રગટ થયા ‘નાગેશ્વર મહાદેવ’, જાણો સંપૂર્ણ ઇતિહાસ

ભગવાનના દર્શન માત્ર 5કે 6 કલાક જ થઈ શકે છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ સ્થાન આસ્થાનું અનેરું કેન્દ્ર બન્યું છે. અહીં રોજેરોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે અને ભગવાન અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ ભગવાનના દર્શને શ્રદ્ધાળુઓ આવે છે.

કેવી રીતે પહોંચવું?
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના વડોદરાથી લગભગ 40 કિલોમીટર દૂર જંબુસર તાલુકામાં આવેલું છે. કાવી કંબોઈ ગુજરાતના વડોદરાથી લગભગ 75 કિલોમીટર દૂર આવેલું છે. કાવી કંબોઈ વડોદરા, ભરૂચ અને ભાવનગર જેવા સ્થળેથી રોડ માર્ગે સારી રીતે જોડાયેલું છે. વડોદરાથી તમે સ્તંભેશ્વર મહાદેવ મંદિર જવા માટે પ્રાઈવેટ ટેક્સી કે પછી અન્ય વાહન કે સાધન લઈ શકો છો. આ ઉપરાંત અહીં પહોંચવા માટે રોડ, રેલવે કે પછી વિમાન દ્વારા પણ સરળતાથી પહોંચી શકાય છે.

Read more

Local News