અમદાવાદઃ આજે છે World Lion’s Day. એશિયામાં એકમાત્ર ગીરનું અભ્યારણ્ય જ એવું છે કે જ્યાં સિંહ વસવાટ કરે છે. અહીંનું વાતાવરણ રોયલ પ્રાણીને ગમી જાય તેવું છે. ત્યારે આજે વાત કરીએ સિંહ વિશે…
ગીર વિશે ઘણું બધું લખાયું છે, તેમાંથી ઘણું તમે વાંચ્યું પણ હશે. ગુજરાતની ભાષાની વાત કરીએ તો લેખક ધ્રુવ ભટ્ટે ગીર પર એક બહુ સરસ મજાનું પુસ્તક લખ્યું છે ‘અકૂપાર’. તેમાં ગીરનું વર્ણન બહુ જ ગજ્જબ કરવામાં આવ્યું છે. ગીરની વાત નીકળે તો સિંહની વાત કર્યા વગર વાર્તા અધૂરી રહે. તેવી જ રીતે આ પુસ્તકમાં પણ એક સિંહણની વાત છે, તેનું નામ રમઝાના. આ રમઝાનાનું વર્ણન તેમણે એટલું સરસ કર્યું છે કે, વાંચતા વાંચતા રમઝાના તમારી આંખ આગળ આવીને ઊભી રહી જાય. આ સિવાય તેના બચ્ચા અને સાંસાઈની વાત પણ ખૂબ જ બારીકાઈથી વર્ણવી છે. તો આજે વાત કરવી છે એ જ ગાંડી ગીરમાં રહેતા સ્હાવજ વિશે.
ગીરમાં છેલ્લા 13 વર્ષથી રહેતા અજયભાઈ ધોકળિયા કહે છે કે, સિંહ અને માણસનો સંબંધ અદ્ભુત છે. અમે ગીરમાં રહીએ છીએ. અમનેય સિંહ સાથે ફાવે છે અને સિંહનેય અમારી સાથે ફાવે છે. ગીરમાં રહેતા લોકો અને સિંહોનો સંબંધ ખૂબ જ સારો છે. અમારા પરિવારના સદસ્ય જેવો જ છે. બીજા પ્રાણીઓથી બીક લાગે પણ સિંહથી બીક ના લાગે.
સિંહના વિસ્તાર નક્કી હોય છે
સિંહ વિસ્તાર પ્રમાણે રહેતા હોય છે. દરેકનો વિસ્તાર નક્કી હોય છે. અંદાજે 40-45 સ્ક્વેર મીટરનો એક સિંહનો વિસ્તાર હોય છે. તેમાં માત્ર તેમની બે-ચાર સિંહણને જ રહેવાની પરવાનગી હોય છે અને તેમના બચ્ચાં રહી શકે. એક નર સિંહ બીજા નર સિંહના વિસ્તારમાં જઈ શકતો નથી. જો કદાચ જતો રહે તો, બંને નર સિંહ વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે. તેમાંથી જે જીતે તે વિસ્તાર પર કબજો જમાવી લે છે અને હારી જાય એ સિંહને વિસ્તાર છોડીને જવું પડે છે.
સિંહ વચ્ચે ઘણીવાર ઇનફાઇટ થાય છે
ઇનફાઇટમાં જે સિંહ જીતે તે અન્ય સિંહના બચ્ચાંને મારી નાંખે છે. ત્યારપછી ત્યાં રહેતી સિંહણને આકર્ષિત કરે છે. સિંહણના બચ્ચાં મારી નાંખ્યા હોવાથી તેનામાં ઓછામાં ઓછો 48 કલાક જેટલો ગુસ્સો રહે છે કે, મારા બચ્ચાંને મારી નાંખ્યા છે. પરંતુ ત્યારબાદ સિંહણ વિચારે છે કે, આ સિંહ પહેલાંના સિંહ કરતાં વધારે તાકાતવર છે અને સિંહણ માની જાય છે. ત્યારબાદ બંને વચ્ચે મેટિંગ થાય છે અને તે બચ્ચાંને જન્મ આપે છે.
સિંહનું નામકરણ કેવી રીતે થાય છે?
ગીરના જંગલમાં વિસ્તાર પ્રમાણે સિંહ રહેતા હોય છે. તે જ વિસ્તારમાં તેમની સિંહણ રહેતી હોય છે. અમે વારંવાર જતા હોઈએ તેને કારણે સિંહ-સિંહણને ઓળખી જતા હોઈએ છીએ. તેના શરીર પર ક્યાંક ઇજાના નિશાન હોય છે. તો ક્યાંક કોઈ એવી નિશાની હોય છે જેનાથી તે ઓળખાય જાય છે. આપણાં ફિંગરપ્રિન્ટ અલગ હોય છે. તેવી રીતે દરેક સિંહ અને સિંહણના પંજા અલગ હોય છે. તેનાથી પણ સરળતાથી ઓળખી શકાય છે.
ગીરના સિંહોનું આયુષ્ય 15 વર્ષ જેટલું
ગીરમાં સિંહની કુલ સંખ્યા 674 છે. તેમાંય આખી ગીરમાં સુંદર સિંહનું નામ ‘ક્વોલિટી’ છે. આમ તો તે બહારના વિસ્તારનો છે, પરંતુ હાલમાં ટુરિઝમ વિસ્તારમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત દેવળિયામાં પણ એક સિંહ છે ‘દેવરાજ’, તે પણ ખૂબ જ સુંદર છે. ગીરના સિંહોનું આયુષ્ય જંગલમાં 15-18 વર્ષ છે, જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં હોય તો તેનું આયુષ્ય 20 વર્ષ સુધીનું હોય છે.
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર શીતલ મિસ્ત્રી તેમના અનુભવો જણાવતા કહે છે કે, ‘દરવર્ષે હું 35 વખત સફારી દરમિયાન ગીરમાં ફોટોગ્રાફી કરવા જઉં છું. એકવાર ગયા પછી મને વારંવાર જવાની ઇચ્છા થઈ અને હું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર બની ગઈ. અત્યાર સુધીમાં મારી સૌથી યાદગાર મોમેન્ટની વાત કરું તો, એકવાર નવેમ્બર મહિનામાં હું ગઈ હતી. ત્યારે એક કપલ મેટિંગ કરતું હતું. તે ક્ષણો મેં કેમેરામાં પણ કેદ કરી છે. મને દેવા ડુંગર વિસ્તારમાં ફોટોગ્રાફી કરવાની સૌથી વધારે મજા આવે છે. મારા પતિ અને પરિવારનો ખૂબ સપોર્ટ રહે છે.’
શીતલબેન વધુમાં જણાવે છે કે, ‘લોકો એમ સરખામણી કરતા હોય છે કે, સિંહ તો માત્ર આફ્રિકાના, એની સામે ગીરના સિંહ કંઈ નથી. પરંતુ ગીરના સિંહ પણ ખૂબ જ સુંદર છે. લોકોની નજર એવી હોય છે કે, દુબળા-પતળા સિંહ હોય છે, પરંતુ તમે ફોટા પરથી જોઈ શકો છો કે, કેટલા સુંદર સિંહ છે. મારો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે, લોકોને પણ હું ગીરના સિંહની સુંદરતા બતાવું.’
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર હિતેષ પટેલ વાત કરતા કહે છે કે, ‘સિંહનું કન્ઝર્વેશન ખૂબ જ સારી રીતે થયું છે. બીજા પ્રાણીઓમાં માણસ પર હુમલા કર્યાની ઘટનાઓ વધારે જોવા મળે છે, પરંતુ સિંહનો કિસ્સો રેર કેસમાં જ જોવા મળે છે. એવા કિસ્સામાં જ જોવા મળે છે કે, જેમાં માણસની ભૂલ હોય. સિંહ અને ગીરના લોકોનો સંબંધ પણ ગજબ છે. ત્યાંના લોકો પણ સિંહને ખૂબ સાચવે છે.’
તેઓ વધુમાં જણાવે છે કે, ‘સિંહ ખૂબ જ સૌમ્ય પ્રાણી છે. તે પરિવારિક પ્રાણી છે. સિંહ તેનાં બચ્ચા અને સિંહણ સાથે રહેતો હોય છે. સિંહ ક્યારેય એકલો રહેતો નથી. એક જ વિસ્તારમાં બે સિંહ ભાગ્યે જ જોવા મળે છે અને જો કદાચ હોય તો સિંહનો ભાઈ હોય. સિંહની ગર્જના અંદાજે 8 કિલોમીટર સુધી સંભળાય છે. સિંહ મોટેભાગે રાત્રે શિકાર કરે છે.’
તેઓ સિંહની ગમતી મોમેન્ટ વિશે વાત કરતા કહે છે કે, ‘મને સિંહ જ્યારે પાણી પીતો હોય તે મોમેન્ટ ખૂબ જ ગમે છે. આ ઉપરાંત તેમના બાળકો સાથે સિંહણ રમતી હોય તે ક્ષણ પણ ખૂબ જ સુંદર હોય છે. ક્યારેક તો એવું થાય કે, આ જગ્યાએથી ખસવું નથી અને એને જોતા જ રહીએ.’