પાટણ જિલ્લાના ધારણોજ ગામે સરકારી જમીન, ગૌચરની જમીન અને પડતર જમીનને લઈ ગામના એક સામાજીક આગેવાન અશ્વિનજી ઠાકોર દ્વારા આરટીઆઈ મારફતે જરૂરી જાણકારી માંગવામાં આવી હતી પરંતુ છેલ્લા છ મહિના સુધી આ માહિતીનો જવાબ આપવામાં આવ્યો નથી.
ધારણોજ ગામે લીલાછમ વૃક્ષોને કાપવા, સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો, ગામને મળેલી ગ્રાન્ટનો દુરપયોગ આવી તમામ માહિતીઓ અશ્વિનજી ઠાકોર દ્વારા આરટીઆઈ મારફતે માંગવામાં આવી હતી, જે બાદ ગામના મહિલા સરપંચના પતિ દ્વારા ધાકધમકી આપવામાં આવી રહી હોવાનું આરટીઆઈ એક્ટિવિસ્ટે જણાવ્યું છે.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા થરાદ ગામની કેનાલમાં એક આરટીઆઇ એક્ટિવિસ્ટની લાશ મળી આવી હતી. ત્યાં જ ધારણોજ ગામના અશ્વિનજી ઠાકોરને પણ આરટીઆઈ કરીને જાણકારી માંગતા તેઓને પણ ધમકીઓ મળી રહી છે.

એક વર્ષ પહેલા પણ ગુજરાત લોકશાહી ન્યૂઝ દ્વારા આ અંગે લેખ લખવામાં આવ્યો હતો. આ પણ વાંચો: ધાયણોજમાં ખુલ્લેઆમ લીલાં વૃક્ષોનું નિકંદન, તંત્ર નિદ્રાધીન, પોલીસની ભૂમિકા શંકાસ્પદ
અશ્વિનજી ઠાકોરના જણાવ્યા અનુસાર, ગામના તલાટી, સરપંચ તેમજ તાલુકા વિકાસ અધિકારીઓને તેઓએ લેખિતમાં ગામમાં થતા ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી છે છતા કોઈ કાર્યવાહી થતી નથી. તેમજ તેઓને વારંવાર ધમકીઓ મળી રહી છે અને તેઓને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.
ભૂતપૂર્વ સરપંચોએ સરકારી જમીનો પચાવી પાડી
ધારણોજ ગામના લોકોનું કહેવું છે કે, ગામમાં આવેલી ગૌચરની જમીનો પર ભૂતપૂર્વ સરપંચોએ વાવેતર કરી દીધુ છે તેમજ સરકારી જમીનો પર આવેલા વૃક્ષોનું નિકંદર કરી દેવામાં આવે છે, ત્યાં જ આ વૃક્ષોને બારોબાર વેચી દેવાનું મસમોટુ કૌભાંડ કરવામાં આવ્યું છે. જોકે આ વિશે પણ કોઈ પણ પ્રકારની માહિતી સરકારને ચોપડે નોંધાઈ નથી. ત્યાં જ હવે ગ્રામજનો પણ આ કૌભાંડથી ત્રાહિમામ પોકારી ગયા છે.
જોકે RTI એક્ટિવિસ્ટ અશ્વિનજી ઠાકોરને યોગ્ય માહિતી ના મળતા તેઓ ગુજરાત હાઈકોર્ટની શરણે જવાની તૈયારી કરી રહ્યા છે.


