Monday, December 23, 2024

જૂનાગઢના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરે પાટોત્સવની ઉજવણી

Share

જૂનાગઢઃ ચૈત્ર સુદ 14 એટલે નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ ભગવાન હાટકેશ્વર મહાદેવનો પાટોત્સવ. જૂનાગઢમાં પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરે સવારે ભગવાન હાટેકેશ્વર દાદાની શોભાયાત્રા નીકળી હતી. ભગવાન હાટકેશ્વર પાલખીમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા. શહેરના મુખ્યમાર્ગો પર હાટકેશ્વર દાદાની શોભાયાત્રા નીકળી હતી. બાદમાં હાટકેશ્વર મંદિર ખાતે લઘુરૂદ્ર કરવામાં આવ્યો હતો અને મહાપ્રસાદનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવની પૂર્વ સંધ્યાએ મંદિરના પટાંગણમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.

જૂનાગઢ શહેરમાં આવેલું ભગવાન હાટકેશ્વર મહાદેવજીનું મંદિર એક પ્રાચીન મંદિર છે. નાગરજ્ઞાતિના આ ઈષ્ટદેવ છે. જૂનાગઢમાં વડનગરા નાગર જ્ઞાતિની વસ્તી છે. દર વર્ષે અહીં પાટોત્સવ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ અને દર મહિને આવતી શિવરાત્રીમાં વિશેષ પૂજા અર્ચના થાય છે. નાગર જ્ઞાતિનું આસ્થાનું કેન્દ્ર છે. એમ કહેવાય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સહજાનંદ સ્વામી જ્યારે જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની સ્થાપના માટે આવ્યા હતા. ત્યારે સૌપ્રથમ તેમને હાટકેશ્વર મહાદેવના દર્શન કરીને મંદિર નિર્માણના કાર્યનો પ્રારંભ કર્યો હતો. આજે પણ સ્વામિનારાયણ મંદિરમાં કોઈ કોઠારી હતી. જ્યારે પદ સંભાળે ત્યારે પ્રથમ ભગવાન હાટકેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે. મંદિરના પટાંગણમાં જે વડનું વૃક્ષ આવેલું છે. તેના મૂળ સ્વામિનારાયણ મંદિર સુધી જાય છે તેવી લોકવાયકા છે. હાટકેશ્વર મંદિરમાં જાનકીદાસ નામના સાધુની સમાધિ પણ આવેલી છે.

હાટકેશ્વર મંદિરમાં પવિત્ર દિવસોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. રૂદ્રાભિષેક, લઘુરૂદ્ર સહિતના ધાર્મિક કાર્યક્રમો તો સમગ્ર વર્ષ દરમિયાન ઉજવાય છે. આ સાથે નાગર જ્ઞાતિના લોકો પ્રસંગો પણ મંદિરના પટાંગણમાં જ ઉજવે છે. હાટકેશ્વર એટલે પાતાળ લોકના દેવ, હાટકનો અર્થ સુવર્ણ પણ થાય છે. નાગના વંશજોએ નાગર અને કલમ કડછીને બરછી તેનો મુદ્રાલેખ માનવામાં આવે છે. કલમ એટલે લખવામાં નિપુણતા કડછી એટલે પાકશાસ્ત્ર અને બરછી એટલે બૌદ્ધિક કૌશલ્ય ધરાવતી જ્ઞાતિ એટલે નાગર જ્ઞાતિ અને નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ ભગવાન હાટકેશ્વર મહાદેવનો પાટોત્સવ જૂનાગઢમાં પરંપરાગત રીતે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે.

Read more

Local News