ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની વીર બહાદુર સિંહ પૂર્વાંચલ યુનિવર્સિટીના શિક્ષકોએ એક મોટો કાંડ કરી નાખ્યો છે. અહીં એવા વિદ્યાર્થીઓને પણ પાસ કરી દીધા છે, જેમણે પરીક્ષામાં ફક્ત જય શ્રી રામ લખીને આવી ગયા હતા. ફાર્મસી ફર્સ્ટ ઈયરના આ વિદ્યાર્થીઓને 56 ટકા માર્ક્સ મળ્યા છે. માહિતી અધિકારના કાયદા હેઠળ જાણકારી માગતા આ પોલ ખુલી ગઈ હતી. કહેવાય છે કે જય શ્રી રામની સાથે આ વિદ્યાર્થીઓએ ક્રિકેટર્સના નામ પણ લખ્યા હતા. ત્યાર બાદ પણ આ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા હતા. યુનિવર્સિટીની પરીક્ષા સમિતિની બેઠકમાં આ બંને શિક્ષકો ડો. આશુતોષ ગુપ્તા અને ડો. વિનય વર્માને દોષિત ઠેરવતા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
જુના વિદ્યાર્થીએ પોલ ખોલી નાખી
માહિતી અધિકારના કાયદા હેઠળ યુનિવર્સિટીના એક જુના વિદ્યાર્થી દ્વારા માગવામાં આવેલી જાણકારી બાદ આ મામલો ધ્યાનમાં આવ્યો હતો. યુનિવર્સિટીના જુના વિદ્યાર્થી દિવ્યાંશુ સિંહે જણાવ્યું કે, જ્યારે તેમને જાણવા મળ્યું કે, પૂર્વાંચલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત ડી. ફાર્મા પાઠ્યક્રમના પ્રથમ અને દ્વિતિય સેમેસ્ટરના અમુક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પાસ કરી દેવામાં આવ્યા છે તો તેણે માહિતી અધિકારના કાયદા હેઠળ યુનિવર્સિટી પાસેથી વિગતો માગી.
દિવ્યાંશુ સિંહે ત્રણ ઓગસ્ટ 2023ના રોજ અમુક રોલ નંબર આપીને ઉત્તર વહી પુનર્મૂલ્યાંકનની માગ કરી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, ચાર અલગ અલગ બાર કોડવાળી કોપીઓમાં વિદ્યાર્થીઓએ ફક્ત જય શ્રી રામ અને વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા વગેરે જેવા ખેલાડીઓના નામ લખ્યા હતા. તેમને 75માંથી 72 માર્ક્સ આપ્યા હતા અને 56 ટકા ગુણ સાથે પાસ કરી દીધા હતા.
પૈસા લઈને પાસ કરી દીધા
જુના વિદ્યાર્થીઓએ આ ખુલાસો કર્યા બાદ પ્રશ્ન પત્ર સાથે જવાબવાહી રાજભવનમાં પત્ર લખીને એક પ્રોફેસર પૈસા લઈને પાસ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં રાજભવન તરફથી એક્શન લેવાતા આ બંને પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધા હતા.