સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ તરીકે ઓળખાતી ધરા સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવે છે. આ લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણા, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે. આ લોકસભા બેઠક પર કોળી સમાજના મત નિર્ણાયક બને છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના પરિણામ કોળી મતદારો નક્કી કરે છે. જેથી કોળી સમાજના સોમાભાઇ પટેલ આ લોકસભા બેઠક પરથી સૌથી વધુ વાર સાંસદ બન્યા હતા. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી કોળી સમાજના ઉમેદવાર વિજયી બન્યા છે. સુરેન્દ્રનગર ખેતી પર નિર્ભર રહેતો જિલ્લો છે. આ ઉપરાંત ઉદ્યોગમાં મીઠાનું ઉત્પાદન પણ આ જિલ્લામાં મોટા પ્રમાણમાં થાય છે. આ વખતે ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે.
સુરેન્દ્રનગર લોકસભાની પ્રથમ ચૂંટણી વર્ષ 1962માં થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ઘનશ્યામ ઓઝાને ટિકિટ આપી હતી. ઘનશ્યામ ઓઝા આ ચૂંટણીમાં 123006 મતથી વિજેતા બન્યા હતા. જ્યારે તેમના હરીફ ઉમેદવાર ભાનુમતી પટેલ હતા જેઓ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમને 80955 મત મળ્યા હતા. આમ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સૌથી વધુ સોમાભાઇ પટેલ સાંસદ બન્યા હતા. સોમાભાઇ પટેલ વર્ષ 1989માં ભાજપમાંથી સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવાર બન્યા હતા. ત્યારે તેઓ વિજયી થયા હતા અને પહેવીલાર આઝાદી પછી ભાજપે આ બેઠક પર ખાતું ખોલ્યું હતું. ત્યારબાદ 1991ની લોકસભા બેઠક પર ભાજપે ફરી સોમા પટેલને ટિકિટ આપી રિપિટ કર્યા હતા. આ ચૂંટણીમાં પણ સોમા પટેલ વિજેતા બન્યા હતા. આમ સતત બે વાર સોમાભાઇ પટેલ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર વિજેતા થયા.
ત્યારબાદ વર્ષ 1996ની લોકસભા ચૂંટણી વખતે સમીકરણો બદલાયા હતા. આ વખતે સોમાભાઇ પટેલ સામે કોંગ્રેસના સનત મહેતા ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં સનત મહેતાએ સોમાભાઇને હરાવીને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર વિજય મેળવ્યો હતો. વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપે સોમાભાઇ પટેલને ટિકિટ આપી આ ચૂંટણીમાં સોમાભાઇનો વિજય થયો હતો. જો કે, ત્યારે સોમાભાઇએ પક્ષ પલટો કર્યો ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. 2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી સોમાભાઇને ટિકિટ આપી જેમાં તેમનો વિજય થયો હતો.
વર્ષ 1977માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પરથી પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી આરકે અમીન સાંસદ બન્યા હતા. આરકે અમીન કોંગ્રેસ અને સામ્યવાદી વિરોધીઓના જુદા જુદા પક્ષોના વિલયથી રચવામાં આવેલા જનતા પક્ષના ઉમેદવાર તરીકે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરી હતી. 1968થી 1970 દરમિયાના આરકે અમીન જનતા પક્ષના રાષ્ટ્રીય સ્તરના સંયુક્ત સેક્રેટરીની જવાબદારી નિભાવી હતી. 1968થી 1971 સુધી તેઓ રાષ્ટ્રીય કારોબારીના સભ્ય રહ્યા હતા.
1974થી 1977 દરમિયાન આરકે અમીને ભારતીય લોકદળ પક્ષના ગુજરાત એકમના વડા તરીકે કામ કર્યુ હતું. તે સમયે અસ્તિત્વ ધરાવતો જનતા પક્ષ વિખેરવામાં આવ્યા બાદ ભારતીય લોકદળની સ્થાપના થઈ હતી. જેના રાષ્ટ્રીય સ્તરના સામાન્ય મંત્રી તરીકે આરકે અમીને જવાબદારી નિભાવી હતી. આરકે અમીનને તે સમયે સસદીય બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા હતા. 1984થી 1989 સુધી તેમણે ભારતીય જનતા દળના રાષ્ટ્રીય કારોબારીના સભ્ય તથા ગુજરાત શાખાના ઉપાધ્યાક્ષ તરીકે ફરજ બજાવી હતી. 1989 બાદ તેમણે જાહેર જીવનમાંથી સ્વૈચ્છિક નિવૃતિ લીધી હતી.
સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઇતિહાસ વિશે વાત કરીએ તો, પહેલી ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી. ત્યારબાદ વર્ષ 1971માં કોંગ્રેસના ઉમેદવાર રસિકલાલ પરીખ જીત્યા હતા. વર્ષ 1980 અને 1984ની લોકસભા ચૂંટણીમાં દિગ્વિજયસિંહ ઝાલા બેવાર કોંગ્રેસમાંથી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર જીત્યા હતા. વર્ષ 1996માં સનત મહેતા અને વર્ષ 2009માં સોમાભાઇ પટેલ કોંગ્રેસમાંથી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર જીત્યા હતા. સોમાભાઇ પટેલે પક્ષ પલટો કરીને 2009માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા.