Texas Hanumanji Statue: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બજરંગબલી હનુમાનજીની 90 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આનાથી માત્ર ભારતીય સમુદાયમાં ગર્વ અને ખુશી જ નથી આવી, પરંતુ સમગ્ર અમેરિકામાં તેને સકારાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહી છે. આ પ્રતિમા અમેરિકામાં સ્થાપિત કરાયેલી સૌથી ઊંચી ધાર્મિક મૂર્તિઓમાંની એક બની ગઈ છે. માત્ર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને પેગાસસ ડ્રેગનની મૂર્તિઓ તેનાથી ઉંચી છે, જે અમેરિકન ઈતિહાસ અને સંસ્કૃતિના પ્રતિક ગણાય છે.
ભગવાન હનુમાનની આ વિશાળ પ્રતિમાનું નિર્માણ ભારતીય સ્થાપત્યના અદ્ભુત ઉદાહરણ તરીકે કરવામાં આવ્યું છે. મૂર્તિમાં ભગવાન હનુમાનની શક્તિશાળી અને દયાળુ છબી દેખાય છે. તેમની ગદા ધારણ કરેલી આ પ્રતિમા 90 ફૂટ ઊંચી છે, જે તેને માત્ર ધાર્મિક મહત્વનું પ્રતીક જ નહીં પરંતુ આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગનું અનોખું ઉદાહરણ પણ બનાવે છે.
ભારતીય સમુદાય ટેક્સાસમાં આ પ્રતિમાની સ્થાપનાને ગૌરવ અને સન્માનના પ્રતીક તરીકે જોઈ રહ્યો છે. આ પ્રતિમાને લઈને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રતિમાના અનાવરણમાં એક ભવ્ય સમારોહ યોજાયો હતો. તેમાં મોટી સંખ્યામાં ભારતીયો અને અમેરિકન નાગરિકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન બજરંગબલીની વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી.
પ્રતિમા બનાવવાની પ્રક્રિયામાં ઘણા મહિનાઓ લાગ્યા હતા અને તેમાં મોટી સંખ્યામાં કામદારો અને નિષ્ણાતોની મહેનત સામેલ હતી. હનુમાનની પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ નામ આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, ટેક્સાસના સુગર લેન્ડ સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં બજરંગબલીની વિશાળ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. હનુમાન પ્રતિમાને પવિત્ર કરવાનો શ્રેય ચિન્નાજીયર સ્વામીજીને આપવામાં આવે છે.
ટેક્સાસમાં સ્થાપિત આ પ્રતિમાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, ભારતીય સંસ્કૃતિના મૂળ હવે અમેરિકામાં પણ મજબૂત થઈ રહ્યા છે. આ પહેલા પણ અમેરિકાના વિવિધ ભાગોમાં ભારતીય દેવી-દેવતાઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે, પરંતુ બજરંગબલીની આ 90 ફૂટ ઊંચી પ્રતિમા તેની ભવ્યતા અને મહત્વના કારણે ખાસ બની ગઈ છે. આ પ્રતિમા માત્ર ધાર્મિક પ્રતીક નથી, પરંતુ તે અમેરિકામાં ભારતીય સંસ્કૃતિની ઊંડી છાપનું પ્રતિક છે. તે એવા તમામ લોકો માટે પ્રેરણાસ્ત્રોત બનશે જેઓ દૂરના દેશોમાં પણ પોતાની સંસ્કૃતિ અને આસ્થાને જીવંત રાખવા માંગે છે.
અમેરિકાના ટેક્સાસમાં સ્થાપિત ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમાએ માત્ર ભારતીય સમુદાય માટે જ મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું નથી, પરંતુ તેની સરખામણી અમેરિકાની અન્ય પ્રખ્યાત પ્રતિમાઓ, જેમ કે, સ્ટેચ્યુ ઑફ લિબર્ટી અને પેગાસસ-ડ્રેગન સાથે પણ કરવામાં આવી રહી છે. ચાલો આ ત્રણેય મૂર્તિઓની સરખામણી કરીએ અને જાણીએ કે કેવી રીતે હનુમાનજીની મૂર્તિએ પોતાની અલગ ઓળખ બનાવી છે.
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી: સ્વતંત્રતાનું પ્રતીક
ઊંચાઈ: 305 ફૂટ (93 મીટર)
સ્થાન: ન્યુ યોર્ક, USA
મહત્વ: 1886માં ફ્રાન્સ દ્વારા અમેરિકાને ભેટમાં અપાયેલું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સ્વતંત્રતા અને લોકશાહીનું પ્રતીક છે. આ પ્રતિમા અમેરિકાના ઈતિહાસ અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને તે ન્યૂયોર્ક હાર્બરમાં સ્થિત છે, જ્યાંથી તે દરિયાઈ માર્ગે આવતા પ્રવાસીઓનું સ્વાગત કરે છે.
પેગાસસ અને ડ્રેગન: પૌરાણિક કથાના પ્રતીકો
ઊંચાઈ: 110 ફૂટ (34 મીટર)
મહત્વ: પેગાસસ અને ડ્રેગનની પ્રતિમા પૌરાણિક કથા પર આધારિત છે, જે પેગાસસ (પાંખવાળો ઘોડો) અને ડ્રેગન વચ્ચેના યુદ્ધને દર્શાવે છે. આ પ્રતિમા ફ્લોરિડાના ગલ્ફસ્ટ્રીમ પાર્કમાં સ્થિત છે અને તેને પૌરાણિક કથાઓ અને કાલ્પનિકતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે.
હનુમાનજીની મૂર્તિ: શક્તિ અને ભક્તિનું પ્રતીક
ઊંચાઈ: 90 ફૂટ (27.4 મીટર)
મહત્વ: ભગવાન હનુમાનની આ મૂર્તિ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનું પ્રતિક છે. હનુમાનજીને હિંમત, ભક્તિ અને શક્તિનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે. આ પ્રતિમા ભારતીય સમુદાય માટે ગર્વની વાત છે અને અમેરિકામાં ભારતીય સંસ્કૃતિની ઊંડી છાપનું પ્રતિક છે.
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને પેગાસસ-ડ્રેગન બંનેની ઊંચાઈ હનુમાનજીની પ્રતિમા કરતાં વધારે છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઊંચાઈ 305 ફૂટ છે, જ્યારે પેગાસસ-ડ્રેગનની પ્રતિમા 110 ફૂટ ઊંચી છે. હનુમાનજીની પ્રતિમા 90 ફૂટ ઊંચી છે, જે તેને અમેરિકાની સૌથી ઊંચી ધાર્મિક મૂર્તિઓમાંની એક છે.